અફઘાન ભૂમિ પર સૈન્ય મથકનો વિવાદ: ટ્રમ્પના પ્રસ્તાવ સામે ભારત, રશિયા અને ચીન સહિત ૧૦ દેશો એક થયા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અફઘાન નીતિ ફરી એકવાર વૈશ્વિક વિવાદના કેન્દ્રમાં આવી છે. ટ્રમ્પ દ્વારા તાલિબાન શાસન પર અફઘાનિસ્તાનમાં અમેરિકન દળોને ફરીથી તૈનાત કરવા અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ બગરામ એરબેઝ અમેરિકાને પરત કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ જૂની સામ્રાજ્યવાદી રમત સામે મુખ્ય એશિયન શક્તિઓ એક થઈ છે.
મંગળવારે (૭ ઓક્ટોબર) ભારતે રશિયા, ચીન, ઈરાન અને મધ્ય એશિયાઈ દેશો સહિત કુલ ૧૦ દેશો સાથે મળીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અફઘાન ભૂમિ હવે કોઈપણ વિદેશી શક્તિ માટે લશ્કરી થાણા તરીકે કામ નહીં કરે.
તાજેતરમાં યોજાયેલી મોસ્કો ફોર્મેટ બેઠકમાં, આ દેશોએ અફઘાનિસ્તાનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ પર ચર્ચા કરી હતી. સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે:
- લશ્કરી માળખાનો વિરોધ: અફઘાનિસ્તાન અથવા તેના પડોશી દેશોમાં કોઈપણ વિદેશી લશ્કરી માળખાની સ્થાપના પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના હિતમાં નથી.
- ભારતનું વલણ: રાજદૂત વિનય કુમારે બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારત એક સ્વતંત્ર, શાંતિપૂર્ણ અને સ્થિર અફઘાનિસ્તાનને સમર્થન આપે છે, જે પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા માટે પણ જરૂરી છે.
ભારતના આ પગલાને અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સૈન્ય વિસ્તાર નીતિ સામે એક મજબૂત રાજદ્વારી સંદેશ (ડિપ્લોમેટિક મેસેજ) તરીકે જોવામાં આવી રહ્યું છે.
બેઠકમાં ભાગ લેનારા તમામ દેશોએ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ પડોશી દેશ અથવા વૈશ્વિક સુરક્ષા સામે ન થાય તે માટે આતંકવાદ સામે સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
- રશિયાનું વચન: રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે વચન આપ્યું હતું કે, રશિયા આતંકવાદ, ડ્રગ્સ તસ્કરી અને સંગઠિત ગુના સામે અફઘાનિસ્તાનને તમામ શક્ય સહાય પૂરી પાડશે.
-
આર્થિક વિકાસ: તમામ સહભાગી દેશોએ અફઘાનિસ્તાનના આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને તેને પ્રાદેશિક સંપર્ક વ્યવસ્થામાં સક્રિય રૂપે જોડવાની વાત કહી હતી, જેથી વિકાસ અને સ્થિરતાની દિશામાં નક્કર પગલાં લઈ શકાય.