રેલવે પ્રવાસીઓ માટે મોટી રાહત: હવે કન્ફર્મ ટિકિટની તારીખ બદલવા પર કેન્સલેશન ચાર્જ નહીં લાગે!
ભારતીય રેલવે તેના કરોડો પ્રવાસીઓ માટે એક મોટો સુધારો લઈને આવી રહ્યું છે. હવે મુસાફરોને કન્ફર્મ રેલવે ટિકિટની તારીખ બદલવાની સુવિધા મળશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ ફેરફાર માટે તેમની પાસેથી કોઈ કેન્સલેશન ચાર્જ લેવામાં આવશે નહીં.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે આ નિર્ણયથી લાખો પ્રવાસીઓને મોટી રાહત મળશે. આ નવી વ્યવસ્થા જાન્યુઆરી ૨૦૨૬ થી અમલી બનશે.
- શું થશે ફાયદો?: જો કોઈ કારણસર તમારી મુસાફરીનો પ્લાન બદલાય, તો તમારે જૂની કન્ફર્મ ટિકિટ રદ કરાવવી નહીં પડે. ઉદાહરણ તરીકે, જો તમારી ૨૦ નવેમ્બરની કન્ફર્મ ટિકિટનો પ્રવાસ ૫ દિવસ લંબાય, તો તમે તે ટિકિટને ઓનલાઈન રિ-શેડ્યુલ કરીને ૨૫ નવેમ્બરના રોજ મુસાફરી કરી શકશો.
- હાલની મુશ્કેલી: વર્તમાન વ્યવસ્થામાં ટૂર પ્લાન બદલાતા પ્રવાસીઓને ટિકિટ રદ કરાવવી પડે છે, જેનાથી મોટી રકમ કપાઈ જાય છે અને નવી ટિકિટ કન્ફર્મ મળશે કે નહીં તેની કોઈ ગેરંટી રહેતી નથી.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્વીકાર્યું હતું કે હાલની વ્યવસ્થા પ્રવાસીઓ માટે યોગ્ય નથી, આથી તેમણે આ ફેરફારો કરવાના નિર્દેશ આપ્યા છે.
- ફી માફ: કન્ફર્મ ટિકિટની મુસાફરીની તારીખ ઓનલાઈન બદલવા પર હવે પૈસા કપાશે નહીં કે કોઈ ચાર્જ લાગશે નહીં.
- કન્ફર્મેશન ગેરંટી નહીં: જોકે, મુસાફરીની તારીખ બદલવા છતાં નવી તારીખે કન્ફર્મ ટિકિટ મળશે જ તેની કોઈ ગેરંટી રહેશે નહીં. ટિકિટ ઉપલબ્ધતાના આધારે જ મળશે.
- ભાડાનો તફાવત: જો નવા પ્રવાસના ભાડામાં કોઈ તફાવત હશે (વધારો કે ઘટાડો), તો તે રકમ પ્રવાસીએ ચૂકવવી પડશે અથવા પરત મેળવવાની રહેશે.
આ નિર્ણય લાખો રેલવે પ્રવાસીઓને મોટી આર્થિક રાહત આપશે અને તેમની મુસાફરીને વધુ લવચીક બનાવશે.