રમતગમત

ભારતીય ક્રિકેટ સ્ટાર રિન્કુ સિંહને ‘ડી કંપની’ની ધમકી: દાઉદ ઈબ્રાહિમની ગેંગે ૫ કરોડ રૂપિયાની ખંડણી માંગી

ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર અને યુવા ક્રિકેટર રિન્કુ સિંહને અંડરવર્લ્ડમાંથી ધમકી મળી હોવાનો ચોંકાવનારો ખુલાસો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ગેંગ – ‘ડી કંપની’ તરફથી રિન્કુ સિંહની પ્રમોશનલ ટીમને પાંચ કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રિન્કુ સિંહની પ્રમોશનલ ટીમને ફેબ્રુઆરીથી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન ખંડણીની માગ કરતા ત્રણ ધમકીભર્યા મેસેજ મળ્યા હતા.

  • જિશાન સિદ્દિકીનો કેસ: આ જ ગેંગે NCP નેતા બાબા સિદ્દિકીના પુત્ર જિશાન સિદ્દિકી પાસે પણ ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જિશાનને ૧૯ થી ૨૧ એપ્રિલ દરમિયાન ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા.
  • ધરપકડ: આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રિનિદાદ અને ટોબેગોમાંથી આરોપીઓ મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ નવીદની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.

રિન્કુ સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢના એક અત્યંત સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવે છે. ક્રિકેટની દુનિયામાં નામ કમાતા પહેલાં, તેના પિતા ખાનચંદ સિંહ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. ક્રિકેટના કારણે રિન્કુએ ઘણીવખત પિતાનો માર પણ ખાધો હતો, પરંતુ પોતાની અથાગ મહેનત અને પરિશ્રમના જોર પર તે આજે ટીમ ઈન્ડિયાનો ઉભરતો સ્ટાર બન્યો છે.

  • તાજેતરની સફળતા: IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમનારા રિન્કુ સિંહે તાજેતરમાં એશિયા કપની પાકિસ્તાન વિરુદ્ધની ફાઈનલ મેચમાં ચોગ્ગો ફટકારીને જીતનો હીરો બન્યો હતો.

વ્યક્તિગત જીવનની વાત કરીએ તો, રિન્કુ સિંહે જોનપુરના મછલીશહેરમાંથી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી છે. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ છે અને તેમના પિતા પણ અનેક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. લખનૌમાં યોજાનાર તેમના લગ્ન સમારોહમાં અનેક રાજનેતાઓ અને વીઆઈપી હસ્તીઓ હાજર રહેવાનો આશાવાદ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *