ગુજરાત

PMJAY માત્ર એક યોજના કે કાર્ડ નથી,એ માદંગીના આકસ્મિક ખર્ચને પહોંચી વળતો એવો સાચો મિત્ર છે,જેને સરકારે તમારા સુધી પહોંચાડ્યો છે

PMJAY માત્ર એક યોજના કે કાર્ડ નથી,એ માદંગીના આકસ્મિક ખર્ચને પહોંચી વળતો એવો સાચો મિત્ર છે,જેને સરકારે તમારા સુધી પહોંચાડ્યો છે,જેણે‌ લાખો કરોડો પરિવારને માંદગીના સમયમાં કે દવાખાનાના આકસ્મિક ખર્ચ વખતે વ્યાજની ચક્રવ્યુહમાં ફસતા બચાવ્યા છે. આજે પણ ગાંધીનગર જિલ્લાના એક એવા જ પરિવારની વાત જેમને સરકારની આ એક યોજનાએ નવી દિશા સાથે તેમના માતાને ઢળતી ઉંમરે જીવવાની નવી આશા આપી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે ‘PMJAY’ એટલે મેડિકલ ઈમરજન્સી સમયમાં સંકટની સાંકળ એમ જણાવતાં ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામના વિક્રમભાઈ રવાજી ઠાકોર જણાવે છે કે,આ વર્ષે તેમના ૭૫ વર્ષીય માતા જડીબાને ઘુંટણમાં તકલીફ થતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.જ્યાં તેમને ઢાંકણીનું ઓપરેશન કરાવવાની જરૂર પડશે‌ તેવું નિદાન આવતા પહેલાતો પરિવાર ચિંતામાં સરી પડ્યો હતો.કારણકે આ ઓપરેશનનો‌ ખર્ચ ગાંધીનગરની બે ચાર મોટી હોસ્પિટલમાં પુછતા દોઢથી પોણા બે લાખ રૂપિયા જેટલો કિધો હતો.
આ અંગે વિક્રમભાઈ જણાવે છે કે, મધ્યમ વર્ગના માણસો માટે શેર લાવી શેર ખાવું આવી પરિસ્થિતિમાં આ અણધાર્યો ખર્ચ અધિકમાં દુકાળ જેવી પરિસ્થિતિ લઈને આવ્યો હતો.પરંતુ તેમના મનમાં પોતાના માતાજી માટે એક લાગણી હતી કે મારે બા ને ઉભા કરવાના જ છે.એટલે વિક્રમભાઈ અને તેમના નાનાભાઈ બંનેએ વિચાર્યું હતું કે,ગમે તે થાય આપણા બા માટે ભલે વ્યાજે પૈસા લેવા પડે કે પછી દર દાગીના વેચવા પડે,બા ને તો‌ ઉભા કરવાના જ છે. કહેવાય છે ને કે સાચી લાગણી અને માંગણી સામે ભગવાન પણ નમી જાય છે,અને રસ્તો બતાવે જ છે, એવું જ આ ઠાકોર પરિવાર સાથે બન્યું.ગાંધીનગર સિવિલના RMO એ તેમને‌ ગાંધીનગરની હાઈટેક હોસ્પિટલમાં બાને ઓપરેશન માટે લઈ‌ જવાની સલાહ આપી.પણ હજુ ખર્ચનો‌ પ્રશ્ન તો ઉભો જ હતો. જેનો જવાબ પણ સિવિલના RMO દ્વારા જ મળી ગયો.

શરુઆતમાં જ્યારે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતાં, ત્યારે આ પરિવાર દ્વારા પણ કાર્ડ બનાવડાવી લેવામાં આવ્યા હતાં.પરંતુ બિમારી અને ખર્ચની ચિંતા ગણો કે પછી સમય સાથે ભુલાયેલ કાર્ડ હોય જે ગણો તે,પણ આ વિકટ સ્થિતિમાં સિવિલના RMO દ્વારા કાર્ડની સમજ અપાતા,દિકરાને ઘણા સમય પહેલાં કરાવેલું આયુષ્માન કાર્ડ યાદ આવ્યું,જુના ટંક માંથી આ કાર્ડ એ મળતા પરિવાર એટલો ખુશ થઈ ગયો કે,જાણે તેમની ઈચ્છા પૂર્તિ માટે ચિરાગ માંથી કોઈ જીન નિકળી આવ્યો હોય! પછી તો શું,સિવિલના RMOએ ચિઠ્ઠી લખી આપી અને જડી બાને ૨૯ માર્ચ ૨૦૨૫ના રોજ હાઈટેક હોસ્પિટલમાં ઓપરેશન માટે લઈ‌ જવાયા‌.અને બિલકુલ નિશુલ્ક ઢાંકણી નું ઓપરેશન સફળ રીતે થઈ ગયું.અને આજે જડી બા ઘોડીના ટેકે એકલા હરતા ફરતા પણ થઈ ગયા છે. આ અંગે જડીબેન ઠાકોર જણાવે છે કે, “આટલી ઉંમરે ફરી મારા પગ પર ચાલતી થઈ એટલે આ મારો નવો જન્મ જ છે.અને મને આમ ફરી હરતી ફરતી કરવા બદલ હું આપણા મોદી સાહેબ અને‌ ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખુબ ખુબ આભાર માનું છું.જેમણે‌ આ કાર્ડ આપી અમારી ચિંતા મટાડી‌ દીધી‌ છે.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *