ગાંધીનગર જિલ્લા કલેકટર કલોલ તાલુકાના પિયજ ગામની આકસ્મિક ચકાસણી મુલાકાતે
કોઈપણ વ્યવસ્થાને યોગ્ય રીતે અને એકધારી વ્યવસ્થિત નિભાવવા માટે મજબૂત અને કાર્યદક્ષ પ્રબળ નેતૃત્વ ખૂબ જ અનિવાર્ય છે. કારણ કે, સરકાર સૌથી છેવાડાના નાગરિકોના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે, ત્યારે આ વિકાસના વેગ અને યોજનાઓની લ્હાણી જનજન સુધી પહોંચાડવાની કામગીરી યોગ્ય રીતે થાય, અને જરૂરત મંદોના જીવનમાં વિકાસનો પ્રકાશ પથરાય તે ખૂબ અનિવાર્ય છે. અને આ જ કામગીરી અર્થે જિલ્લા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે પોતાની વ્યસ્તતા માંથી પણ સમય ફાળવી દર અઠવાડિયે ઓછામાં ઓછા બે થી ચાર ગામડાઓની મુલાકાત કરતા રહે છે.
આ મુલાકાતો અંતર્ગત મુખ્યત્વે તેઓ આરોગ્ય કેન્દ્ર દ્વારા જન આરોગ્યની, પંચાયત દ્વારા જનસેવાની, આંગણવાડી અને પ્રાથમિક શાળા દ્વારા શિક્ષણ જેવી મહત્વની સુવિધાઓ અંગે ચકાસણી કરતા રૂબરૂ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરે છે. એટલું જ નહીં આ મુલાકાતો અંતર્ગત કલેકટરશ્રી સરકારના ‘પ્રાકૃતિક કૃષિ’ અભિયાન, ‘એક પેડ મા કે નામ’ અભિયાન, ‘સ્વચ્છ ભારત’ અભિયાન જેવી મહત્વની બાબતો અને તેના ફાયદા અંગે પણ ચર્ચા કરતા, જન જનને આ અભિયાનમાં જોડવા પ્રયાસ કરતા રહે છે. ઉપરાંત તેઓ આ મુલાકાતો અંતર્ગત બાળકોમાં હાલ જોવા મળતા મોબાઈલના દૂષણના પરિણામોને કારણે, ઉદભવતી પરિસ્થિતિને નાથવા મોબાઇલની લત છોડાવી, બાળકોને હાલરડા, દેશભક્તિ ના ગીતો અને વાતો સંભળાવવા, તથા પારિવારિક ભાવનાને મહત્વ આપી સહ ભોજન તથા માતૃ પિતૃ પૂજન દ્વારા આપણી અદ્વિતીય સંસ્કૃતિ આગલી પેઢી સુધી પહોંચાડવા પણ સામાજિક સંદેશ આપતા રહે છે. આવા જ સંદેશ સાથે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેતા.૩૦ ડિસેમ્બર ના રોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામે પહોંચી, આંગણવાડી કેન્દ્ર તથા ગ્રામ પંચાયતની ચકાસણી કરી હતી. જ્યાં તેમણે ગ્રામજનો સાથે પણ ઉપરની બધી જ બાબતે ચર્ચા કરવા સાથે તેમના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.
સાથે જ દરેક કર્મચારીઓને ઉલ્લેખીને તેમણે જણાવ્યું હતું કે,’વિકસિત ભારત ૨૦૪૭’ ના ધ્યેયને પરિપૂર્ણ કરવા, રામસેતુ નિર્માણની મદદગાર ખિસકોલી સમાન આપણે આપણું, ખિસકોલી કાર્ય કરી આત્મસંતોષ મેળવીએ. આ ઉદાહરણ દ્વારા પોતાના ભાગે આવેલી દરેક ફરજ નિભાવવા પણ કલેક્ટરશ્રીએ કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. જેથી જ્યારે વિકસિત ભારતની ઉજવણી થાય, ત્યારે આપણે અને આપણો પર પરિવાર આત્મસંતોષ અને ગર્વની લાગણી સાથે તેમાં સહયોગી હોવાનું ગૌરવ લઈ શકીએ. ઉલ્લેખનીય છે કે, કલેકટરશ્રીની આ મુલાકાત અંતર્ગત કલોલ પ્રાંત શ્રી મયંક પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.

