બાળ લગ્ન મુક્ત જિલ્લો: ગાંધીનગર કલેક્ટરની જાગૃતિ ઝુંબેશ, ૨૦૩૦ સુધીમાં કુપ્રથા નાબૂદ કરવાનો લક્ષ્યાંક
તમારી સામે સમાજની બે છબી છે, જેમાં એક છબીમાં તમારા પોતાના દીકરા દીકરીઓ ખુલ્લા આકાશમાં ભણતરની પાંખો મેળવી, પ્રગતિની ઊંચી ઉડાન ભરી રહ્યા છે. જ્યારે બીજી છબીમાં ‘બાળ લગ્ન’ જેવા કુરિવાજોની બેડીઓમાં બંધાઈ તમારું સંતાનો અંધારીયા કૂવામાં હંમેશા માટે ધકેલાઈ ગયું છે! એનું બાળપણ હંમેશા માટે છીનવાઈ ગયું છે. તમને આ બે છબી માંથી કઈ છબી સ્વીકાર છે!
આમ જણાવતાં કલેકટર શ્રી આપણી સમક્ષ એક કડવી વાસ્તવિકતાની સહજ અનુભૂતિ કરાવતા જણાવે છે કે, જો આપણે આપણા સંતાનો માટે ખુલ્લા આકાશની ઉડાન ઇચ્છતા હોઈએ તો, સમાજમાંથી બાળ લગ્ન જેવા કુરિવાજને જડમૂળથી તિલાંજલિ આપવી જ પડશે. તો અને તો જ એ નિર્દોષ બાળકોના બાળપણ સહિત આપણા રાષ્ટ્રના ભવિષ્યને પણ મજબૂત કરી શકીશું.
‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ૨૦૩૦ સુધીમાં રાષ્ટ્રને બાળ લગ્ન મુક્ત બનાવવાનો સરકારનો લક્ષ્યાંક છે.બાળ લગ્ન એ એક ગંભીર બિન-જામીનપાત્ર કાયદાકીય ગુનો છે.જેમાં ગુનેગારને કાયદામાં બે વર્ષ સુધીની સખત કેદ અને રૂ.૧ લાખ સુધીના દંડની જોગવાઈઓ પણ છે.
બાળ લગ્ન અટકાવવા એ માત્ર સરકાર કે સરકારી તંત્રની નહીં પણ,એક સજાગ નાગરિક તરિકે આપણા સૌની સહિયારી જવાબદારી છે.જો આપની આસપાસ આવો ગુનો થતો જોવો છો તો ચુપ ન રહો, તાત્કાલિક પોલીસને અથવ ટોલફ્રી નંબર પર જાણ કરો અને સક્રિય સહયોગ આપો,
તમારી આસપાસ થતા બાળ લગ્ન અટકાવવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, પોલીસ સ્ટેશન, ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ અથવા ૧૧૨ અને મહિલા હેલ્પ લાઈન ૧૮૧ ને જાણ કરો.અને નિશ્ચિત રહો, જાણકારી આપનારની ઓળખ ન તો તમને પુછવામાં આવશે, ન તમારી સાથે જોડાયેલી કોઈ પણ માહિતી લીક થશે.
વિશેષ અહેવાલ:
દેશભરમાંથી બાળ લગ્નની સામાજિક કુપ્રથાને જડમૂળથી નાબૂદ કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’ ની એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ઝુંબેશ અમલી કરવામાં આવી છે. આ અભિયાન ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ના સિદ્ધાંતોને અનુસરીને યુવા છોકરીઓને સશક્ત બનાવવા, તેમના શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલનો મુખ્ય લક્ષ્યાંક ‘બાળ લગ્ન નિષેધ અધિનિયમ, ૨૦૦૬’ના કડક અમલ અને વ્યાપક જાગૃતિ દ્વારા ૨૦૩૦ સુધીમાં ભારતને સંપૂર્ણપણે બાળ લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે, જેથી દરેક બાળકને તેના કાયદાકીય અને નૈતિક અધિકારો પ્રાપ્ત થાય અને તેમનું બાળપણ સુરક્ષિત રહે.
વર્તમાનમાં, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરશ્રી મેહુલ કે.દવેની આગેવાનીમાં ‘મારું ગામ, મારો તાલુકો અને મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત’ ની નેમ સાથે એક વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ સમાજમાં બાળ લગ્નના દૂષણને સંપૂર્ણપણે દૂર કરવાનો અને તેના ભયાનક ગેરફાયદાઓ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો છે. જેમાં નાગરિકોને બાળ લગ્ન ન કરવવા અંગે જાગૃત કરવામાં આવે છે અને સમાજના તમામ વર્ગોના સક્રિય સહયોગથી આ સામાજિક દૂષણને તાત્કાલિક ધોરણે નાબૂદ કુરવા માટે કલેક્ટરશ્રી મેહુલ કે.દવે દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ અંગે કલેક્ટરશ્રી મેહુલ કે.દવે દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બાળ લગ્ન એ માત્ર એક સામાજિક રિવાજ નથી, પરંતુ તે એક ગંભીર કાયદાકીય ગુનો છે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ, છોકરીના ૧૮ વર્ષ અને છોકરાના ૨૧ વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા સંજોગોમાં કરવામાં આવતા લગ્નો ગેરકાયદેસર ગણાય છે. આ કાયદાની જોગવાઈઓ સ્પષ્ટ છે કે, જો કોઈ વ્યક્તિ આવા બાળ લગ્ન કરાવે, તેનું સંચાલન કરે, અથવા તેમાં મદદગારી કરે, તો તે વ્યક્તિને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની સજા થઈ શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ ગુનો બિન-જામીનપાત્ર છે, જે તેની કાયદાકીય ગંભીરતા દર્શાવે છે. કાયદાની અજાણતા, શિક્ષણનો અભાવ અને દીકરીઓની જવાબદારીમાંથી વહેલા મુક્ત થવાની વિચારસરણી જેવા કારણોસર સમાજમાં બાળ લગ્ન થતા હોય છે, પરંતુ હવે કાયદાનું કડક પાલન અનિવાર્ય છે.
બાળ લગ્નના કારણે યુગલોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અત્યંત નકારાત્મક અસરો થાય છે. નાની ઉંમરમાં લગ્ન થવાથી સગીર વયની બાળાઓમાં ગર્ભવતી થવાનું પ્રમાણ વધે છે, જેના પરિણામે અપરિપક્વ પ્રસુતિ, સગીર માતાના મૃત્યુનો ઊંચો દર, ગર્ભપાત કે મૃત શિશુ જન્મનું પ્રમાણ વધે છે. નવજાત શિશુઓમાં માંદગી, અશક્તિ, મૃત્યુજ મંદબુદ્ધિનાં બાળકોનું છે, જે સમગ્ર પેઢીના વિકાસને અવરોધે છે. વધુમાં, બાળ લગ્ન બાળકની, ખાસ કરીને બાળકીની, સ્વતંત્રતાને રૂંધે છે અને નાની ઉંમરમાં જ તેમના પર કુટુંબનો ભાર અને સામાજિક જવાબદારીઓ આવી પડે છે, જે સ્ત્રીઓ ઉપર ત્રાસ અને અત્યાચારને પણ વેગ આપે છે.
બાળ લગ્ન સંપૂર્ણ રીતે નાબૂદ થાય તે માટે જાગૃતિ અને સક્રિય સહયોગ આપવાની અપીલ કરતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીએ પણ આ અંગે જણાવ્યું હતું કે, જો તમારા ધ્યાનમાં ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય કે થવાની તૈયારી હોય, તો નાગરિકોએ તાત્કાલિક તેની જાણ કરવી. જાણ કરવા માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ અધિકારીશ્રી, સહયોગ સંકુલ બિલ્ડીંગ, ગાંધીનગર અથવા જે તે જિલ્લાનો સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત, નજીકના પોલીસ સ્ટેશન, ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર ૧૦૯૮ અથવા ૧૧૨ અને મહિલા હેલ્પ લાઈન નંબર ૧૮૧ નો પણ સંપર્ક કરી શકાય છે. દરેક ગ્રામ પંચાયત અને સામાજિક આગેવાનોને પણ આ દૂષણ અટકાવવામાં મદદ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે, જેથી ભારતના બાળકોનું બાળપણ સુરક્ષિત રહે અને ૨૦૩૦ સુધીમાં બાળ લગ્ન મુક્ત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે.

