સ્થાનિક રજૂઆતોમાં નાગરિક લક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રીની જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ સુચના
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને જાહેર રસ્તા પરના ગેર કાયદેસર બાંધકામ અને દબાણ, ડ્રેનેજ અને કાંસમાં થયેલ ગેર કાયદેસર દબાણ તેમજ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા પર કરવામાં આવેલા દબાણ જેવી રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો અંગે નાગરિકલક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત ઉકેલ માટે જિલ્લા તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના ઉપક્રમમાં જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 110થી વધુ રજૂઆતકર્તાઓ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, જિલ્લા સ્વાગતની 1492 અને તાલુકા સ્વાગતની 2565 રજૂઆતો-પ્રશ્નો સંદર્ભમાં પણ જિલ્લા તાલુકા કક્ષાએ ઉકેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રાજ્ય સ્વાગતમાં ડભોઇ અને બોટાદ જિલ્લાના ધરતી પુત્રોએ કરેલી રજૂઆતનો તેમજ સુરત જિલ્લામાં ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનોના બાંધકામ અંગેના લાંબાગાળાથી પડતર પ્રશ્નની રજૂઆતનો તેમણે ત્વરિત અને સંવેદના સ્પર્શી પ્રતિસાદ આપ્યો હતો. ડભોઇ નગરપાલિકાના ગટરના પાણીને કારણે 33 ખેડૂતોની 150 વીઘા જેટલી ખેતીલાયક જમીનના ખેતી પાકોને નુકસાન ન થાય તેમજ જમીન બગડે નહીં તે માટે તાત્કાલિક ધોરણે સાઇફન બનાવવા અને નગરપાલિકાનો એસ.ટી.પી. વ્યવસ્થિત કામ કરે તથા ખેડૂતોના લાંબાગાળાની આ સમસ્યાનો ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ બોટાદ જિલ્લાના ખેડૂતોએ ગામના તળાવના પાળાની ઊંચાઈ વધારવાના પરિણામે 42 ખેડૂતોની આશરે 500 વીઘા જેટલી જમીન ડુબમાં જાય છે અને ખેતરમાં અવર-જવર માટેનો રસ્તો બંધ છે તેવી રજૂઆતો કરી હતી. શ્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાલ ખેડૂત હિતલક્ષી નિર્ણય લઈને બોટાદ જિલ્લાના ધરતીપુત્રોના આ પ્રશ્નનું તાકીદે નિવારણ લાવવા માટે સંબંધિત વિભાગ અને સ્થાનિક વહિવટી તંત્રને સુચના કરી હતી. રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ ખેડૂતોના આ પ્રશ્નો ઉપરાંત સુરત જિલ્લામાં ગુજરાત હાઉસીંગ બોર્ડના જે જર્જરિત મકાનો ઉતારી લેવાયા છે તેના સ્થાને નવા મકાનોના બાંધકામની લાંબાગાળાની પડતર રજુઆત લાભાર્થીઓએ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોના સંદર્ભમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓને ઝડપથી નવા આવાસોના બાંધકામની કાર્યવાહી કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા હતા. જાન્યુઆરી-2026ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને સચિવ શ્રી અજય કુમાર તથા ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી. કે. પારેખ, શ્રી રાકેશ વ્યાસ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

