કોના બાપની દિવાળી ! સુરતમાં કોર્પોરેશનના શાસકો માટે 4.60 લાખના 4 iPhone ખરીદ્યા.
સુરત:
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રજાના પૈસે 4.60 લાખ રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન ખરીદવામાં આવતા વિવાદ ઉભો થયો છે. મહાનગરપાલિકાને વેરા પેટે જે રકમ મળી છે તેનો દુરઉપયોગ થયો હોવાના બનાવમાં 1.15 લાખ રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન શહેરના મેયર, ડેપ્યૂટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નેતા માટે ખરીદવામાં આવ્યા છે. આ તમામ ફોન એપલ દ્વારા ગત વર્ષે લોંચ કરવામાં આવેલા મોડલ હોવાનું સામે આવ્યું છે. આ માહિતી RTI માં બહાર આવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.
એક બાજુ તિજોરીનું તળિયું દેખાઇ રહ્યું છે ત્યારે શાસકોએ કરકસરના નામે નવા પ્રોજેક્ટો મૂક્યા નથી. જ્યારે બીજી તરફ કૉર્પોરેશન તરફથી પ્રજાના પૈસાનો ધૂમાડો કરવામાં આવતો હોવાની ઘટના સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે. પાલિકા તરફથી આ ફોન થોડા મહિનાઓ પહેલા જ ખરીદવામાં આવ્યા છે. અહીં બીજો સવાલ એ પણ ઉભો થાય છે કે શાસક પક્ષના નેતા બંધારણીય પદે ન હોવા છતાં તેમના માટે મોંઘો મોબાઇલ ખરીદવામાં આવ્યો છે. બીજી તરફ વિપક્ષના નેતા બંધારણીય હોદ્દો હોવા છતાં તેમની બાદબાકી કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા એક બાજુ એવું કહી રહી છે કે તિજોરી તળિયાઝાટક હોવાથી શહેરમાં મોટા પ્રોજેક્ટો માટે પૈસા નથી. આ માટે જ પાલિકાએ પૈસા માટે બોન્ડ બહાર પાડવા પડ્યા છે. જ્યારે બીજી તરફ પદાધિકારીઓ માટે મોંઘા મોબાઇલ ખરીદવામાં આવતા આ મુદ્દે આગામી દિવસોમાં સામાન્ય સભામાં ઉઠશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.