કોંગ્રેસને વધુ એક ફટકો, બદરૂદ્દીન શેખે પાર્ટી સાથે છેડો ફાડયો
અમદાવાદ :
ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાં ભારે ઘમાસાણ મચી છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ જાડેજાએ ટિકિટ વહેંચણીને લઈ સોશિયલ મીડિયામાં નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારના કોર્પોરેટર અને અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા રહી ચૂકેલાં બદરૂદ્દીન શેખે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
અમદાવાદ શહેરના બહેરામપુરના કાઉન્સિલર અને પ્રદેશ કૉંગ્રસ સમિતિના પ્રવક્તા બદરૂદ્દીન શેખે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતાં ખળભળાટ મચી ગયો છે. બહેરામપુરા વોર્ડની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવાર ઉતારાતાં બદરૂદ્દીન શેખ નારાજ થયા હતા. શેખે રાજીનામુ ધરતાં કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.
બદરૂદ્દીન શેખના રાજીનામાની સાથે જ 13 સભ્યોએ પણ કોંગ્રેસના વિવિધ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ અગાઉ ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માટે ટિકિટ ન મળતાં જયરાજસિંહ નારાજ થયા હતા. અને તેઓએ પણ રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસ માટે પેટા ચૂંટણી પહેલાં જ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જો આ બળાપો કોંગ્રેસ દૂર નહીં કરે તો પેટા ચૂંટણીમાં તેને ગંભીર નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે.