ગુજરાત

હવામાન વિભાગની મોટી આગાહી: ‘મહા’વાવાઝોડાના કારણે દીવમાં 6 કલાકમાં આભ ફાટ્યું, દરિયો તોફાની

ગાંધીનગર :
ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાએ પોતાનો કાળોકહેર વર્તાવાનું શરૂ કરી દીધું છે. ‘મહા’ વાવાઝોડું હાલમા સીવિયર સાઇક્લોનક બની રહ્યું હોવાથી પાંચમી અને છઠ્ઠી નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના વિસ્તારોમાં ફરી ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે.

આજે એટલે કે (શનિવારે) અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર ઠેર હળવાંથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની વકી છે. હાલ દીવમાં શુક્રવારથી મોડીરાતે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. માહિતી પ્રમાણે છેલ્લા 6 કલાકમાં દીવમાં ધોધમાર 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.

બીજી બાજુ વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક હવામાનમાં પલટા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. કાળા ડિંબાગ વાદળો વચ્ચે ઠંડા પવનો સાથે શરૂ થયેલા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકો ચીકુ અને કેરી પાકને મોટા પ્રમાણમાં નુકશાનની આશંકા સેવાઈ રહી છે બીજી બાજુ ‘મહા’ વાવાઝોડાની અસર દરિયા કિનારા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યુ છે

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ સાથે કાળા ડિબાંગ વાદળો વાતાવરણ ખુશનુમા બન્યું છે, સુરત શહેર જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા લોકોને વરસાદ સાથે ઠંડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.

6થી 8 નવેમ્બરમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
ઓક્ટોબર-નવેમ્બર માસમાં દરિયામાં ચક્રવાતના કારણે દરિયો તોફાની બનવાની શક્યતા હવામાનના જાણકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમણે આગાહી કરી છે કે, તા.૬, ૭ અને ૮ નવેમ્બરમાં દરિયો તોફાની બનશે. ઉપરાંત દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે.

અમદાવાદ સહિત ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. તા.10મી નવેમ્બરમાં હવામાનમાં પલટો આવે અને દક્ષિણ-પૂર્વીય તટિય, ઓડિશા વગેરે ભાગોમાં વરસાદની શક્યતા છે. હવામાનમાં પલટો આવે અને ઠંડા પવનો ફૂંકાશે. તા. 6, 7 અને 8 નવેમ્બર દરમિયાન ગુજરાતના દરિયાકિનારાના ભાગોમાં વાયુ વાહક નક્ષત્ર નારીમાં ગ્રહો હોવાથી સખત પવન ફૂંકાવાની શક્યતાઓ છે.

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં તકેદારીનાં પગલાંની ક્વાયત

કયાર’ બાદ ‘મહા’ વાવાઝોડાની ગુજરાતમાં આવવાની શક્યતા સંદર્ભે શુક્રવારે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રૂપની બેઠક યોજાઈ હતી, જેમાં જણાવાયું હતું કે, કેન્દ્ર સરકારની એડવાઇઝરીની રાહ જોવાઈ રહી છે અને એ પછી જ ચક્રવાતની દિશા સ્પષ્ટ થઈ શકશે. છેલ્લે ‘કયાર’ અરબી સમુદ્રમાં ઉત્તર-દક્ષિણ દિશામાં ઓમાન તરફ ફંટાઈ ગયું હતું.

જો કે આગોતરા ચાંપતા પગલાંના ભાગરૂપે રાજ્યના રાહત કમિશનર તરફથી તમામ જિલ્લા કલેક્ટરો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાગરકાંઠાના જિલ્લાઓમાં તંત્ર સાબદું ગોઠવવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવાની સૂચના અપાઇ ગઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

‘મહા’ વાવાઝોડું ગોવાથી 350 અને વેરાવળથી 650 કિ.મી દૂર
‘મહા’ વાવાઝોડું હાલમાં ગોવાથી 350 અને વેરાવળથી 650 કિલો મીટર દૂર છે અને સિસ્ટમ પ્રતિ કલાક 24 કિલો મીટરની ઝડપે સમુદ્રમાં આગળ વધી રહી છે. સિસ્ટમ આવતી કાલ રાત્રિ સુધી ઉત્તર પશ્ચિમ દિશાની ગતિ કરતું દક્ષિણ ગુજરાત તટથી આગળ જશે અને તા. ૪થી સુધી આગળ જવાની ગતિ રહ્યા બાદ વાવાઝોડું દક્ષિણ ગુજરાત તટ તરફ પાછું વળશે.

આ સંજોગોમાં આગામી 24 કલાક તેમજ તા. 6ઠ્ઠી બાદ ફરીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠા સહિતના રાજયના વિવિધ છૂટા છવાયા વિસ્તારોમાં ભારે ગાજ વીજ સાથે વરસાદ પડવાની આગાહી થઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x