દેશનું વિકાસ એન્જિન ગણાતું ગુજરાત આરોગ્યમાં ચોથા ક્રમે, પાણીની શુદ્ધતામા ગુજરાતનું પાટનગર ગાંધીનગર 14મા ક્રમે.
ગાંધીનગર:
મહાત્મા મંદિર ખાતે યોજાયેલી નેશનલ હેલ્થ સમિટના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ સમિટમાં દેશના તમામ રાજ્યોની આરોગ્યની શ્રેષ્ઠ પ્રથાઓનો પરસ્પર વિનિમય થશે. સૌથી વધુ વિકાસ દર સાથે ગુજરાત દેશનું વિકાસ એન્જિન છે ત્યારે નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હેઠળ કરવામાં આવેલા હેલ્થ રેન્કીંગમાં ગુજરાત દેશના મોટા રાજ્યોમાં ચોથા ક્રમે છે. ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેણે મા યોજના દ્વારા ગરીબી રેખાની નીચેના પરિવારો અને નિમ્ન મધ્યમ વર્ગે ઉચ્ચકક્ષાની આરોગ્ય સેવાઓ પૂરી પાડી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના 8 ટકા બજેટ વાપરવાના સુચન સામે ગુજરાત કુલ બજેટના 5.50 ટકા બજેટ એટલે કે 2.50 ટકા બજેટ ઓછું વાપરે છે તેવું સત્તાવાર સુત્રોનું કહેવું છે.
રૂપાણીએ કહ્યું કે કુપોષણ મુક્તિ અભિયાન, સલામત પ્રસૂતિ અને ટીબી નિવારણ કાર્યક્રમમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. જાહેર આરોગ્ય માટે પડકારજનક બાબત ડાયાબિટીઝ, હ્રદય રોગ, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોના વહેલા નિદાન અને વહેલી સારવાર થાય તેવી વ્યવસ્થા સરકાર ગોઠવવા જઇ રહી છે. દોઢ દાયકામાં સંસ્થાકીય ડિલિવરીનો દર 55 ટકાથી વધીને 99 ટકા થયો છે. ટેકો કાર્યક્રમ અતર્ગત રાજ્યની તમામ માતાઓ અને બાળકોના આરોગ્યનું ડિજિટાઇઝેશન કરવામાં આવે છે. આરોગ્ય કર્મચારીઓ માટે ટેકો એ સપોર્ટ સિસ્ટમ છે. રાજ્યની કુલ વસતીના 99.99 ટકા લોકોના આરોગ્યની માહિતી ટેકો ઉપર ઉપલબ્ધ છે. આ સંપૂર્ણ માહિતી મોબાઇલ એપ્લીકેશનમાં ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ છે. 823 ખાનગી સહિત કુલ 2628 હોસ્પિટલો આ યોજનામાં નોંધાઇ છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું કે આ સમિટ 130 કરોડ દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની સાબિત થશે. પોલીયો મૂક્ત ભારતને હવે ટીબી મૂક્ત ભારત બનાવવાનું છે. વર્ષ 2025 સુધીમાં દેશમાં સરકારી હોસ્પિટલોમાં એક લાખ ડોક્ટરો સેવામાં ઉભા કરાશે.
21 શહેરોમાં પાણીની શુદ્ધતાનું રેન્કિંગ જાહેર
દેશની રાજધાની દિલ્હીની હવા જ નહીં પણ પાણી પણ પ્રદૂષિત છે. દેશના 21 શહેરોમાં દિલ્હીનું પાણી સૌથી વધુ પ્રદૂષિત જણાયું છે. કેન્દ્ર સરકારના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા 21 શહેરોના પાણીના નમૂના મેળવી તપાસ કરીને રેન્કિંગ જાહેર કરાયું છે. મુંબઈનું પાણી ગુણવત્તાયુક્ત જણાયું છે. ટોપ 5 શહેરમાં મુંબઈ, હૈદરાબાદ, ભુવનેશ્વર, રાંચી અને રાયપુરનો સમાવેશ થાય છે. બે શહેરોમાં કોલકાતા -દિલ્હી છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર 14મા ક્રમે છે. જળમિશન હેઠળ 3 તબક્કામાં દેશના દરેક શહેર, દરેક જિલ્લાના પાણીની તપાસ કરાશે.