આજથી ઈડન ગાર્ડનમાં ભારત – બાંગ્લાદેશની પિંક બોલથી ફલ્ડ લાઈટ્સમાં રમાનારી ઐતિહાસિક સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ
કોલકાતા :
કોલકાતાના વિખ્યાત ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારતીય ટીમ આવતીકાલે તેના ટેસ્ટ ઈતિહાસની સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે બાંગ્લાદેશ સામે ઉતરશે. પિંક બોલથી ફલ્ડ લાઈટ્સમાં રમાનારી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચ અંગે ભારતીય ક્રિકેટરોમાં અને ચાહકોમાં ભારે આકર્ષણ અને ઉત્સુકતા જોવા મળી રહ્યા છે. કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦થી સરસાઈ ધરાવે છે અને આવતીકાલથી શરૂ થનારી ડે-નાઈટ ટેસ્ટ શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટ બની રહેશે, જે જીતવા માટે પણ ભારત હોટફેવરિટ છે.
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આવતીકાલે બપોરે ૧.૦૦ વાગ્યા થી ડે-નાઈટ ટેસ્ટનો પ્રારંભ થશે. બીસીસીઆઇના પ્રમુખ અને ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ ભારતીય ટેસ્ટ ઈતિહાસની સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટને યાદગાર બનાવવા માટે દિગ્ગજ ક્રિકેટરોને ખાસ આમંત્રણ આપ્યું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ ખાસ ડે-નાઈટ ટેસ્ટ મેચ જોવા કોલકાતા પહોંચશે. ભારતની જેમ બાંગ્લાદેશ પણ તેના ટેસ્ટ ઈતિહાસમાં આ પહેલી વખત ડે-નાઈટ ટેસ્ટ રમી રહ્યું છે.
પશ્ચિમ બંગાળના વડાપ્રધાન મમતા બેનર્જી પણ ડે-નાઈટ ટેસ્ટમાં ઉપસ્થિત રહેશે તેમ મનાય છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ઈતિહાસની ૧૨મી ડે-નાઈટ ટેસ્ટ બનશે. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એડીલેડમાં નવેમ્બર-૨૦૧૫માં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા સૌથી વધુ પાંચ ડે-નાઈટ ટેસ્ટ રમ્યું છે અને પાંચેયમાં વિજેતા બન્યું છે. ડે-નાઈટ ટેસ્ટમાં સૌથી સફળ એશિયન દેશ શ્રીલંકા છે, જે ત્રણમાંથી બે ડે-નાઈટ ટેસ્ટમાં વિજેતા બન્યો છે.