અમદાવાદ સિવિલ હોસ્પિટલનો એર એમ્બ્યુલન્સનો પ્રોજેક્ટ ૪ વર્ષથી ઉધ્ધરતાલ
અમદાવાદ :
એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે કરોડોના ખર્ચે ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યું હતું. આ ટ્રોમા સેન્ટરનાં ધાબા પર ઈમરજન્સીમાં દર્દીઓને ઝડપી સારવાર મળે તે હેતુથી હેલીપેડ બનાવવામાં આવ્યું હતું. આ ટ્રોમા સેન્ટર અને હેલીપેડના લોકાર્પણને ૪ વર્ષ જેટલો સમય વિતવા છતાં એર એમ્બ્યુલન્સનો પ્રોજેક્ટ અભેરાઈએ ચઢી ગયો છે. શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સ લાવવાની વાત પણ હવે હવા થઈ ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે.
વર્ષ ૨૦૧૫નાં ડિસેમ્બર માસમાં એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ કરોડ રુપિયાનાં ખર્ચે તૈયાર થયેલા નવા ટ્રોમા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. છ માળનું બનેલું આ ટ્રોમા સેન્ટર દર્દીઓને અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે હેતુથી તૈયાર કરવામાં આવ્યું હતું. ગંભીર પ્રકારનાં આકસ્મિક ઘટનામાં ગોલ્ડન અવરમાં ટ્રીટમેન્ટ આપી શકાય તે હેતુથી એર એમ્બ્યુલન્સ લાવવાનો પ્રોજેક્ટ પણ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ એર એમ્બ્યુલન્સ લાવવા માટે જે તે સમયે સિવિલ હોસ્પિટલનાં સત્તાધીશો દ્વારા એરએમ્બ્યુલન્સ માટે પ્રપોઝલ મુકવામાં આવી હતી. એવિયેશન વિભાગનાં અધિકારીઓ દ્વારા હેલીપેડની જગ્યાનું નિરિક્ષણ કર્યુ હતું.
હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનાં ટેરેસ પર એર એમ્બ્યુલન્સનું સફળ રીતે ઉતરણ થઈ શકે છે કે, કેમ તે તમામ પ્રકારની ચકાસણી કરી રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ એર એમ્બ્યુલન્સ લાવવાની વાત હવા થઈ ગઈ છે. આ ટ્રોમા સેન્ટરનાં લોકાર્પણ ને ૪ વર્ષ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી એર એમ્બ્યુલન્સ લાવવાના પ્રોજેક્ટ પર કામ નહિ થતા આ પ્રોજેક્ટ જાણે અભેરાઈએ ચઢી ગયો છે.