અમદાવાદમાં પરેશ ધાનાણીનો દેખાયો અલગ અંદાજ, કર્યું ટ્રાફિકનું નિયમન
અમદાવાદ
યુવા ધારાસભ્ય અને ખેડૂત આગેવાન તરીકે તથા યુથ કોંગ્રેસમાં સફળ નેતૃત્વ બાદ આજે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનેલા પરેશ ધાનાણીનો અમદાવાદમાં કંઈક અલગ જ અવતાર જોવા મળ્યો હતો. વિપક્ષ નેતા શહેરના સિંધુ ભવન રોડ પર ટ્રાફિકનું નિયમન કરતા હોય, તેવો વીડિયો સામે આવ્યો છે.
પરેશ ધાનાણી વિધાનસભામાં પણ પ્રજાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા જોવા મળે છે. આ ઉપરાંત તાજેતરમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિ મામલે આંદોલન કરી રહેલા ઉમેદવારો માટે જાતે રસોઈ પણ બનાવતા જોવા મળ્યા હતા. વિપક્ષ નેતા ધાનાણી અગાઉ પણ અનેક વખત પ્રજા સાથે ભળી જતા જોવા મળ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી જનતાને મળે કે ના મળે, પરંતુ વિધાનસભામાં આવેલી પરેશ ધાનાણીની ઓફિસનો દરવાજો કાયમ પ્રોટોકોલ વિના ખુલ્લો જ રહે છે.
જણાવી દઈએ કે, પરેશ ધાનાણી અમેરેલી જિલ્લામાં ઘણા જ લોકપ્રિય નેતા હોવા છત્તાં લોકસભા ચૂંટણી-2019માં અમરેલી બેઠક પરથી તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં પરેશ ધાનાણી જાતે એક બસ ચલાવી રહ્યાં છે અને લોકોને હાકલ કરી રહ્યા છે, હાલો બાયપાસ…બાયપાસ…. આ વીડિયોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.