સરકાર જીએસટી અને નોટબંધીની નિષ્ફ્ળતા સ્વીકારે : પરેશ ધાનાણી
ગાંધીનગર :
વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન સૌની યોજનાના પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર યોજનાનું ઓવરફલો થતું એક મિલિયન એકરફીટ પાણી સૌરાષ્ટ્ર, કચ્છ્ અને ઉત્તર ગુજરાતને આપવાની જે મૂળ દરખાસ્તએ હતી એ લીંક વન, લીંક ટુ, લીંક થ્રી અને લીંક ફોર યોજનાને સૌની યોજનાનું બ્રાન્ડીંગ કર્યું. ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજના થઈ જેમાં કેનાલો ખોદવામાં આવી નથી, માટી કાઢવામાં આવી નથી, કાગળ, ઉપર બિલ બનાવીને ૫૦૦ કરોડથી વધારેનું કૌભાંડ કર્યું. જેનો કેગે CAG રૂ. ૧૧૨૪ કરોડનો ઓડીટ પારો પણ કાઢયો છે. આ અંગેનો જાહેર હિસાબ સમિતિનો અહેવાલ પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાંથી પેન્ડીંગ રખાયો છે. એ અહેવાલ ગૃહ સમક્ષ મુકવા રજૂઆત કરી હતી. ૨૦૧૪ની ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્ર ના ૧૧૫ ડેમ રૂ. ૧૦૮૯૧ કરોડના ખર્ચે પાંચ વર્ષમાં પૂરા કરવાની સરકારે બાંહેધરી આપી હતી. જેને છ વર્ષ થવા છતાંય ૧૧૫ ડેમ પૈકી માત્ર ૧૯ ડેમમાં ૯૬૩૮ એમ.સી.એફ.ટી. પાણી પહોંચાડી શકાયું છે અને તે પૈકી ખેડૂતોના ખેતર સુધી માત્ર ૨૯૩૧ એમ.સી.એફ.ટી. પાણી સિંચાઈ માટે આપી શકાયું છે.
ગુજરાત માલ અને સેવા કર સુધારા વિધેયક ૨૦૧૯ની ચર્ચામાં ભાગ લેતાં શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ‘વન નેશન, વન ટેક્સધ’ ખૂબ સારા સુત્ર સાથે આ દેશની સંસદે અડધી રાત્રે એક મોટું ક્રાંતિકારી પરિવર્તન આ દેશમાં આવશે તેવી અપેક્ષા સાથે જીએસટી કાયદો દેશમાં પસાર કર્યો. દેશમાં એની અસરો, આડઅસરો, અભ્યાસની ઉણપ જોતા આ અવિચારી પગલું હતું, જેણે દેશની આર્થિક કરોડરજ્જુ ભાંગવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો છે. આ જીએસટી કાયદો જે અડધી રાત્રે ઉતાવળ કરી જેનાથી દેશના વેપાર અને ઉદ્યોગ ભાંગીને ભૂકો થઈ જશે તેનો આજે આ દેશ પ્રતીતિ કરી રહ્યો છે. વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી અને તત્કાલીન વડાપ્રધાન માનનીય મનમોહનસિંહજીના નેતૃત્વ નીચે ચાલતી યુપીએ-૧ અને યુપીએ-૨માં આ અંગે ખુબ પુખ્ત મને વિચારણા થઈ હતી. આજના પ્રધાનમંત્રી અને આ ગૃહના તત્કાલીન મુખ્યમંત્રીએ જીએસટીનો આક્રમકતાથી વિરોધ કર્યો હતો. આજે પ્રધાનમંત્રી જ્યારે સમગ્ર દેશનું નેતૃત્વર કરી રહ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભા ગૃહને વારંવાર જીએસટી કાયદામાં સુધારો લાવવાની જરૂર શું કામ પડે છે ? તેના મૂળ સુધી જવું જરૂરી છે. રાજ્યની જીએસટીની આવકમાં ૬.૮૫%નો ઘટાડો થયો હતો. તબક્કાવાર જીએસટી લાગુ કર્યા પછી રાજ્યની આવકમાં સતત ઘટાડો થતો જાય છે.
વિરોધપક્ષના નેતાશ્રીએ જણાવ્યું હતું કે, ભારત દેશનું ગ્રોથ એન્જિન ક્યાતરેક ગુજરાત હતું. ગુજરાત ચાલે તો દેશ ચાલતો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રા વેપારની અંદર એકબીજા પહેલા નંબર માટે થઈને લડાઈ લડતા. સરકારી મૂલ્યાંકન અહેવાલો મુજબ આજે છઠ્ઠા-સાતમા નંબરે ધકેલાઈ ગયું છે. દેશમાં નોટબંધીના નાટકે આ દેશનું જે તંદુરસ્ત અર્થતંત્ર હતું, એમાં અર્થરૂપી શક્તિ હતી અને નોટરૂપી એક ઈન્જેંકશનથી તંદુરસ્ત અર્થતંત્રનું લોહી ચૂસવાનું કામ થયું. ગુજરાત અને ગુજરાતીઓના લોહીમાં વેપાર છે અને વિશ્વમાં ગુજરાતનો વેપાર વખણાય છે. આજે ગુજરાતના વેપારીની શાખને દાગ લગાવવાનું કામ ક્યાંકને ક્યાંક સરકારી નીતિને કારણે થયું છે. વેપારી ચોર નથી, એનો ધંધો-વેપાર-વકરો વધશે તો સરકારની કરની આવક વધશે. ગુજરાતમાં વીતેલા બે વર્ષની અંદર જ ચાર લાખ કરતાં વધુ ફેકટરીઓ-કારખાનાઓ બંધ થયા છે. છેલ્લા બે વર્ષમાં ઓછામાં ઓછા ૪૦ લાખ લોકોએ કારખાનાઓની અંદર નોકરી ગુમાવી છે. નોટબંધી અને જીએસટીની ઝંઝટે સામાન્ય માણસની ખરીદ શક્તિ ઉપર વાર કર્યો, જેના કારણે આખી સાયકલ ખોરવાઈ ગઈ છે અને લોકો બેરોજગાર થયા છે.
શ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ૨૦૧૯-૨૦ અને તેના બજેટ વેરા પેટે કુલ રૂ. ૧,૨૫,૧૧૦ કરોડની આવકનો અંદાજ રાખ્યો હતો, જેની સામે એપ્રિલથી ઓગસ્ટ્ના પાંચ માસ દરમ્યાન સરકારને વેરા પેટે માત્ર રૂ. ૪૧,૧૯૨ કરોડની જ આવક થઈ છે, જે બજેટ અંદાજના માત્ર ૩૨.૯૩% છે. સરકારે નોટબંધી અને જીએસટીની નિષ્ફળતા સ્વીકારવી જોઈએ અને જીએસટી બિલમાં વારંવાર સુધારા લાવવા પડે છે તેના બદલે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે આ સુધારો છેલ્લો બની રહે. વેપાર-ધંધાવાળા, ઉદ્યોગવાળા રાજી થાય. ગુજરાત રાજ્ય વેપાર ઉદ્યોગમાં દેશમાં નં. ૧ હતું, ગુજરાત વેપાર ઉદ્યોગમાં હરણફાળ ભરતું હતું એ રીતે પુનઃ દેશનું ગ્રોથ એન્જીન બને તેમ અંતમાં શ્રી ધાનાણીએ જણાવ્યું હતું.