ગુજરાત વિધાનસભા: સત્રનો અંતિમ દિવસે હોબાળો થવાની આશંકા, વિપક્ષ વિવિધ મુદ્દે કરશે ઘેરાવ
ગાંધીનગર
આજે ગુજરાત વિધાનસભા શિયાળુ સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજના દિવસે ગૃહમાં 5 બિલ રજૂ કરવામાં આવશે. ત્યારે સૌની નજર આજે રજૂ થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલ પર છે. આ સાથે જ આજે વિધાનસભામાં ગોધરાકાંડનો અહેવાલ પણ રજૂ કરશે. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં રજૂ થશે. આ સાથે વિપક્ષ પણ આક્રમક તેવર અપનાવી રહ્યું છે.
આજે ગુજરાત વિધાનસભામાં ગોધરા કાંડનો અહેવાલ રજૂ કરવામાં આવશે. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં મૂકાશે. 27 ફેબ્રુઆરી 2002માં 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. જસ્ટિસ જી. ટી. નાણાવટી અને અક્ષય એચ. મહેતા મહેતા તપાસ પંચના રિપોર્ટનો બીજો ભાગ વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવશે.
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં કોચ નંબર એસ-6માં સવાર 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. જેમાં મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા. જે બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં અને તેની તપાસ માટે આ પંચની રચના કરવામાં આવી છે.
નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ આજથી 10 વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બર 2009માં શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયો હતો. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો બીજો ભાગ આજથી 5 વર્ષ પહેલાં 18 નવેમ્બર 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સોંપાયો હતો. હવે આ રિપોર્ટને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવી રહ્યો છે.