મહુવામાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શ્રધ્ધાંજલિ સભામાં કોમી એકતા દેખાઈ
મહુવા, તા. ૭
તાજેતરમાં મહુવા ખાતે બ્રહ્મલીન પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શ્રધ્ધાંજલી સમારોહ વિવિધ સંસ્થાના ઉપક્રમે યોજાયો હતો. શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં ખોજા જ્ઞાાતિના ધર્મગુરુ મૌલાના સાહેબ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો વિજયધ્વજ ફરકાવનાર સંસ્કૃતિ પુરુષ, અનેકવિધ સમાજસેવાઓની સરિતા વહાવીને સમાજને સ્વસ્થ, શિક્ષિત, સમૃધ્ધ અને સંસ્કારી બનાવનાર સંત વિભૂતિ, લાખો દીનદુઃખિયાઓની વહારે જઈ તેઓના જીવમાં સુખ શાંતિનો સૂર્યોદય કરનાર તારણહાર, ભારતવર્ષની સનાતન સાધુતાનું દર્શન પોતાના જીવન દ્વારા કરાવનાર વિશ્વવંદનીય મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજની પુણ્ય સ્મૃતિમાં મહુવા નગરપાલિકા, મહુવા નાગરિક સહકારી બેંક લિ., ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા, મહુવા કેળવણી સહાયક સમાજ, મહુવા જુથ ખેડુત સહકારી મંડળી લી. દ્વારા શ્રધ્ધાંજલી સમારોહ યોજાયો હતો.
આ સમારોહ મહુવાના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના ભવ્ય હોલમાં ખુબ જ ભવ્યતાને દિવ્યતાપૂર્વક યોજાયો હતો. આ સમારોહમાં મહુવા શહેરના રામકથાકાર પૂજનીય સંત મોરારીબાપુ, વેદાંતાચાર્ય સંત પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી, ગઢડા મંદિર કોઠારી પૂ. અધ્યાત્મસ્વરૃપ સ્વામી, મહુવા મંદિરના કોઠારી પૂ. ભક્તિતનય સ્વામી, ખીમનાથ મહાદેવનાં મહંત ભગતબાપુ, રામપાસ રહો જગ્યાના મહંત રાજુબાપુ, સ્વામિનારાયણ ગુરુકુળના મહંત પુજ્ય પુરાણી સ્વામી તથા ખોજા જ્ઞાતિના ધર્મગુરુ મૌલાના સાહેબ, આ સર્વે સંતો-મહંતોએ બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજને વાકપુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પુજનીય સંત મોરારીબાપુએ બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજના સરળતા, ત્યાગ, સમર્પણ, સ્મરણરૃપી દિવ્યગુણોને શબ્દસુમનથી બિરદાવ્યા હતા. બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજને શ્રધ્ધાંજલી અર્પવા ધારાસભ્ય ભાવનાબેન મકવાણા તથા નગરપાલિકા પ્રમુખ જીતુબેન ગોહિલ તથા અન્ય મહાનુભાવો તેમજ દરેક સમાજ અને જ્ઞાતિના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ મહુવાના હજારો નગરજનોએ બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં પોતાની ભાવોર્મિ અર્પી શ્રધ્ધાંજલી સભાનો લાભ લીધો હતો.