ગાંધીનગરગુજરાત

રાહત પેકેજ સામે ખેડૂતોનો રોષ…? ૩૯ લાખ ખેડૂતોએ રાહત મેળવવા અરજીઓ કરી જ નથી

ગાંધીનગર
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાક ખરાબ થયો હોવાના કારણે આર્થિક નુકશાન ભોગવવુ પડયુ છે. ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોચતાં રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા રૂ.૩૭૯૫ કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કર્યુ હતું. જોકે, આ રાહત સહાય મેળવવા ખેડૂતોએ જાણે ઉદાસિનતા દાખવી છે કેમકે, હજુ સુધી ૩૯ લાખ ખેડૂતોએ રાહત મેળવવા અરજીઓ જ કરી નથી. આ કારણોસર સરકાર પણ દ્વિધામાં મૂકાઇ છે. રાજ્ય સરકારે ૨૫ ડિસેમ્બર પહેલાં ખેડૂતોને પાક નુકશાનનું વળતર ચૂકવી દેવા નક્કી કર્યુ છે. ગુજરાતમાં ખેડૂતો ભાજપ સરકારથી રાજી નથી કેમ કે, ખેડૂતોને રાહત સહાય મેળવવા કરતાં પાક વિમો મેળવવામાં વધુ રસ છે. આ તરફ, પાકવિમા કંપનીઓએ રાજ્ય સરકારની ટકોર છતાંય હજુ સુધી પાક વિમો ચૂકવ્યો નથી. ગુજરાતમાં કુલ ૫૬ લાખ નોંધાયેલાં ખેડૂતો છે તે પૈકી અત્યાર સુધીમાં માત્ર ૧૭ લાખ ખેડૂતોએ જ રાહત સહાય મેળવવા અરજીઓ કરી છે.
સરકારને ય એવો ડર છેકે, પાકવિમાને લીધે નારાજ ખેડૂતો રાહત સહાયની અરજી કરવા રાજી નથી. આ ઉપરાંત રાહત સહાય મેળવવા ફોર્મ ભરી દસ્તાવેજી પુરાવા આપવામાં અનેક ડખાં છે જેના લીધે અભણ ખેડૂતો તકલીફ વેઠી રહ્યાં છે.તલાટીઓ પાણીપત્રક ભરવા તૈયાર નથી. પંચાયતોમાં સર્વર ડાઉન છે . આવી અનેક ફરિયાદોને લઇને ખેડૂતો હેરાન પરેશાન છે. આ જોતાં ઘણાં ખેડૂતો રાહત સહાય મેળવવા ફોર્મ ભરવા ય તૈયાર નથી.કેબિનેટની બેઠક બાદ કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, બનાસકાંઠાના ૧૫ સરહદી ગામડાઓમાં તીડના આક્રમણને લીધે ખેતીને નુકશાન પહોંચ્યુ છે ત્યારે એવો નિર્ણય લેવાયો છેકે, કૃષિ વિભાગ તીડને લીધે ખેતીને થયેલાં નુકશાનનો સર્વે કરશે ત્યારબાદ ખેડૂતોને રાહત સહાય અપાશે.
આ ઉપરાંત અત્યાર સુધીમાં ૧૭ લાખ ખેડૂતોએ માવઠાને કારણે ખેતીનુ નુકશાન થતાં રાહત સહાય મેળવવા અરજીઓ કરી છે તેમને ૨૫ ડિસેમ્બર સુધીમાં વળતર ચૂકવી દેવાશે. ૮૫ હજાર ખેડૂતો પાસે મગફળી ખરીદવામાં આવી છે તેમને ય બે દિવસમાં રૂા.૩૩ કરોડ ચૂકવી દેવાયા છે. આમ, સરકારે ભલે વળતર ચૂકવી દેવા તૈયારી દર્શાવી હોય પણ હજુય લાખો ખેડૂતોએ રાહત સહાય મેળવવામાં ય રસ દાખવ્યો નથી જેના લીધે સરકારને ખેડૂતો નારાજ હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x