મોદી કેબિનેટે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) માં અપડેટ્સ આપી મંજુરી
નવી દિલ્હી
મોદી કેબિનેટે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) માં અપડેટ્સ માટે ભંડોળ ફાળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે 8700 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. એનપીઆર હેઠળ 1 એપ્રિલ, 2020 થી 30 સપ્ટેમ્બર, 2020 સુધી નાગરિકોનો ડેટાબેસ તૈયાર કરવા માટે ઘરે-ઘરે વસ્તી ગણતરીની તૈયારી છે. એનપીઆરનું મુખ્ય લક્ષ્ય દેશના સામાન્ય રહેવાસીઓની વ્યાપક ઓળખના ડેટાબેસ બનાવવાનું છે. આ ડેટામાં ડેમોગ્રાફિક્સની સાથે બાયમેટ્રિક માહિતી પણ હશે. એનપીઆરને અપડેટ કરવાની પ્રક્રિયા આવતા વર્ષે 1 એપ્રિલથી શરૂ થવાની છે.
સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર માટે છેલ્લો ડેટા 2010 માં એકત્રિત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2011 ની વસ્તી ગણતરી કરવામાં આવી રહી હતી. આ આંકડાઓ પછી વર્ષ 2015 માં અપડેટ કરવામાં આવ્યા હતા. આ માટે ડોર ટુ ડોર સર્વે કરાયા હતા. તે ડેટાને ડિજિટાઇઝ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે સરકારે નિર્ણય લીધો છે કે આ આંકડાઓ 2021 ની વસ્તી ગણતરી દરમિયાન આસામ સિવાય અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ફરીથી અપડેટ કરવામાં આવશે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા એક ગેઝેટેડ સૂચના પ્રકાશિત થઈ ચૂકી છે.
એનઆરપી શું છે
રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) દ્વારા સરકાર દેશના દરેક નાગરિકનો હિસાબ રાખી શકશે.
આ અંતર્ગત દરેક ભારતીય નાગરિકના બાયોમેટ્રિક રેકોર્ડ લેવામાં આવશે અને તેમની વંશાવલિ પણ રેકોર્ડ કરવામાં આવશે.
છ મહિના કે તેથી વધુ સમયથી કોઈ વિસ્તારમાં રહેનારા નિવાસી માટે, એનપીઆર સાથે નોંધણી કરવી ફરજિયાત રહેશે.
સરકાર રાષ્ટ્રીય કક્ષા, રાજ્ય કક્ષા, જિલ્લા, પેટા જિલ્લા અને સ્થાનિક કક્ષાએ એનપીઆર તૈયાર કરશે.
એનપીઆર ત્રણ તબક્કામાં તૈયાર કરવામાં આવશે – પ્રથમ તબક્કો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2020 ની વચ્ચે રહેશે. આમાં, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા ઘરેલુ જરૂરી ડેટા એકત્રિત કરવામાં આવશે.
બીજો તબક્કો 9 ફેબ્રુઆરી 2021 થી 28 ફેબ્રુઆરી 2021 સુધીનો રહેશે. આ પછી ત્રીજા તબક્કાની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં એકત્રિત કરવામાં આવેલા ડેટામાં જરૂરી સુધારા કરવામાં આવશે.
એનપીઆર કેમ મહત્વનું છે
એનપીઆરનો મૂળ હેતુ દેશના દરેક નિવાસીને ઓળખવા માટે એક વિગતવાર ડેટા તૈયાર કરવાનો છે. આમાં, દરેક નિવાસીની વસ્તી વિષયક માહિતીની સાથે, તેમનું બાયોમેટ્રિક પણ રેકોર્ડ કરવામાં આવશે.