દિલ્હી ચૂંટણીની તારીખો: 8 ફેબ્રુઆરીએ મતદાન, 11 ફેબ્રુઆરીએ પરિણામ
નવી દિલ્હી
દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 ની તારીખો જાહેર કરવામાં આવી છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે અને પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર અરોરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે, જ્યારે ઉમેદવારી પત્રોની તપાસ 22 જાન્યુઆરીએ થશે.
તેમણે કહ્યું કે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી છે. દિલ્હીમાં ૭૦ વિધાનસભા બેઠકો છે જેમાંથી 58 સામાન્ય કેટેગરીમાં છે જ્યારે ૧૨ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. અરોરાએ કહ્યું કે, દિલ્હીના વિધાનસભાની ચૂંટણીની સુરક્ષાના પરિમાણો સહિતની તૈયારીઓના સંદર્ભમાં વિવિધ કાયદા પાલન એજન્સીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ચૂંટણીની તારીખ જાહેર થયા પછી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે.
ચૂંટણી પંચે બપોરે સાડા ત્રણ વાગ્યે ચૂંટણીનું શિડ્યુલ જાહેર કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થશે. 70 સદસ્યોવાળી દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 માં લગભગ 1.46 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાં 80.55 લાખ પુરુષ અને 66.35 લાખ મહિલા મતદારો છે. આ પહેલા 26 ડિસેમ્બરે ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી કમિશનર અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સુધારેલ મતદાર યાદી 16 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. એક કરોડ 46 લાખ 92 હજાર એકસો છ છ મતદારો નોંધાયા હતા.