વાપી દસ નો દમ, 10 મીનીટમાં 10 કરોડની લૂંટથી ચકચાર
વાપી
શહેરના ભરચક ગણાતા ચણોદ વિસ્તારમાં આવેલા આઈઆઈએફએલ (ઈન્ડિયા ઈન્ફોલાઈન) ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને રૂપિયા 10 કરોડની લૂંટ થઈ છે. લૂંટારાઓ કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને 8 કરોડના સોના સહિત 10 કરોડની લૂંટ ચલાવીને માત્ર 10 મિનિટમાં નાસી છૂટ્યા હતા. વાપીમાં ધોળે દિવસે ગોલ્ડ લોનની ઓફિસમાં ધસી આવેલાં લૂટારાઓએ કર્મચારીઓને બંધક બનાવી રોકડ રકમ સહિત દાગીનાની લૂંટ ચલાવી હતી. આ લૂંટના કારણે પોલીસ તંત્ર હરકતમાં આવી ગયુ હતું અને તપાસનો દોર ધમધમાટ કરી દીધો છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
વાપીના ચણોદમાં આજ રોજ IIFL ગોલ્ડ લોનની ફાયનાન્સ ઓફિસ આવેલી છે જેને લૂટારાઓએ નિશાન બનાવી હતી અને આ ઓફિસમાં જીવલેણ હથિયારો સાથે ધસી બે લુટારાઓ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. અને તે બાદ ઓફિસમાં રહેલી રોકડ રકમ અને દાગીનાની અંદાજે 10 કરોડથી પણ વધારેની લૂંટ ચલાવી હોવાની આશંકા છે.
તો હથિયારધારી લુટારા કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. લૂંટની ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને લુટારાઓને ઝડપી પાડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી. તો સાથે જ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે પણ બંને લુટારાઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.