CAAવિવાદ : ધાનાણી બોલ્યા- ધારા ૩૭૦ અને રામ મંદિર મામલે સફળ રહેલી સરકાર બેરોજગારી, ખેડૂતો મુદ્દે અસફળ
ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં કેન્દ્રના સિટિઝન એમેન્ડમેન્ટ એક્ના સમર્થનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સીએએ મુદ્દે અભિનંદન પ્રસ્તાવ સમયે જૂનાગઢમાં શિવરાત્રીના દિવસે અનેક બાવાઓ આવે છે. તેમની પાસે કોઈ પુરાવો નથી. તો તેમનું શું થશે. તેવો સવાલ પણ પરેશ ધાનાણીએ ઉઠાવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિષય બહારના મુદ્દે બોલતા ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને બિલની બહારની તમામ વાતો રેકોર્ડ પરથી દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
પરેશ ધાનાણીએ કહ્યુ કે ભાજપ સરકારે આર્ટિકલ 370 હટાવવા અને રામ મંદિર બાબતે સફળ રહ્યા પણ બેરોજગારી, ખેડૂતો, રોજગારી બાબતે નિષ્ફળ રહ્યા છે. મનમોહન સિંહ 10 વર્ષ પીએમ રહ્યા છતાં પાકિસ્તાનમાં પગ મુક્યો નથી. પરંતુ નરેન્દ્ર મોદી ત્યાં બંધ બારણે કંઈક કરીને આવ્યા તેવો આક્ષેપ પણ પરેશ ધાનાણીએ લગાવ્યો હતો.
ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરતી વેળા પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ હતુ કે બિલ રજૂ કરવાની તક મને મળી છે તેનાથી હુ ગર્વ અનુભવુ છુ. નરેન્દ્ર મોદી અને અમિત શાહને ઉલ્લેખીને તેમણે કહ્યુ હતુ કે આ વિધાનસભા ગૃહના જ નેતાઓ લોકસભામાં આ બિલ લાવ્યા છે. જાડેજાએ કહ્યુ કે આ કાયદો આવવાથી પાકિસ્તાનમાં વસતા હિંદુઓને મોટો ફાયદો થશે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યુ કે કાયદાના આધારે જે હિંદુઓ આવવાના છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.