IMF બાદ હવે ફિચે ઘટાડ્યું ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન
નવી દિલ્હી
સામાન્ય બજેટ પહેલા મોદી સરકારને જોરદાર ઝટકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) બાદ હવે વધુ એક રેટિંગ એજન્સીએ ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન ઘટાડી દીધુ છે. ઈન્ડિયા રેટિંગ્ઝ એન્ડ રિસર્ચે આગામી નાણાંકીય વર્ષ એટલે કે 2020-21માં ભારતના જીડીપીનુ અનુમાન ઘટાડી દીધુ છે. ફિચની રેટિંગ અનુસાર નાણાંકીય વર્ષ 2020-21માં ભારતની જીડીપી માત્ર 5.5 ટકા વધવાનુ અનુમાન છે.
આ પહેલા IMFએ ભારતના જીડીપીમાં 4.8 ટકા અને ભારત સરકારની રાષ્ટ્રીય આંકડા કચેરી (CSO)એ 5 ટકા વધવાનુ અનુમાન લગાવ્યુ છે. આ પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં ફિચે જીડીપીમાં 5.6 ટકાનુ અનુમાન લગાવ્યુ પરંતુ હવે તેને ઘટાડી દીધુ છે. કંપની તરફથી કહેવામાં આવ્યુ કે તેમને આશા હતી કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો થશે પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા ઓછા વપરાશ અને ઓછા રોકાણની માંગમાં ફસાતી દેખાઈ રહી છે. વળી, રેટિંગ એજન્સીએ આશા વ્યક્ત કરી છે વર્ષ 2021માં કંઈક સુધારો થશે.
આ પહેલા આંતરાષ્ટ્રીય નાણા ભંડોળે ભારત માટે ચાલુ નાણાકીય વર્ષના જીડીપી ગ્રોથ રેટ અનુમાનને ઘટાડીને 4.8 ટકા કરી દીધુ છે. પહેલા આઈએમએફે ચાલુ નાણાકીય વર્ષમાં 6.1 ટકા વધવાનુ અનુમાન વ્યક્ત કર્યુ હતુ પરંતુ એક વર્ષ પહેલા આ જ ગાળામાં આઈએમએફે 7.5 ટકાનુ અનુમાન વ્યક્ત કર્યુ હતુ.