આર્થિક મંદી ને લઈને રાહુલ ગાંધીએ મોદી અને ટીમ પર સાધ્યું નિશાન
નવી દિલ્હી
બજેટની રજૂઆત પૂર્વે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની આર્થિક મંદી માટે વડા પ્રધાન મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પર પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને આર્થિક વિકાસને વેગ આપવા માટે આગળ શું કરવું તે અંગે કોઈ વિચાર નથી. નોંધનીય છે કે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2020-21 માટેનું બજેટ રજૂ કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે મોદી અને તેમની આર્થિક સલાહકારોની સ્વપ્ન ટીમે અર્થવ્યવસ્થામાં ખરેખર બદલાવ લાવ્યો છે. અગાઉ જીડીપી 7.5 ટકા હતો અને ફુગાવાનો દર 3.5 ટકા હતો. હવે જીડીપી 3.5.. ટકા અને ફુગાવા 7..5 ટકા પર આવી ગયો છે. વડા પ્રધાન અને નાણાં પ્રધાનને હવે આગળ શું કરવું તે અંગે સંપૂર્ણ ખ્યાલ નથી.
આ અગાઉ મંગળવારે જયપુરમાં યુવા આક્રોશ રેલીને સંબોધન કરતી વખતે રાહુલે આર્થિક સંકટ અને બેકારીના મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું, પરંતુ ગયા વર્ષે એક કરોડ યુવાનોએ નોકરી ગુમાવી દીધી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાન જ્યાં પણ જાય છે, સીએએ એનઆરસી વિશે વાત કરે છે, પરંતુ બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે, પરંતુ વડા પ્રધાન તેના પર એક પણ શબ્દ બોલતા નથી.