કોરોના વાયરસ: ચીનથી 112 યાત્રીઓ સાથે ભારત પહોંચ્યું વિમાન
નવી દિલ્હી/વુહાન
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ફસાયેલી ભારતીયોને ત્યાંથી નીકાળવા માટે ભારત સરકાર તરફથી સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. આજે વાયુસેનાનું વિમાન ગ્લોબમાસ્ટર સવારે 6:45 કલાકે 112 લોકોને લઈને ભારત પહોંચી ચૂક્યું છે. આ વિમાનમાં 76 ભારતીયો સાથે 36 વિદેશી નાગરિકો પણ સામેલ છે. આ અંગે ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ તરફથી જણાવાયું છે કે, આ તમામ લોકોને ITBPને દિલ્હીના છાવલામાં બનેલા સારવાર કેન્દ્રમાં રાખવામાં આવશે. અહીં ચીનથી આવેલા તમામ લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે.
આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું કે, વુહાનથી પરત આવેલા ભારતીય વાયુસેનાના વિમાનમાં 76 ભારતીયો અને 36 વિદેશી નાગરિકો છે. જેમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, ચીન, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને મડાગાસ્કરના નાગરિકો પણ આવ્યા છે. આ સાથે જ વિદેશમંત્રીએ આ લોકોને આપવામાં આવેલી સુવિધા બદલ ચીન સરકારનો આભાર માન્યો છે.
જણાવી દઈએ કે, વાયુસેનાનું આ વિમાન ગઈકાલે 15 ટન મેડિકલ રાહત સામગ્રીનો સામાન લઈને ચીનના કોરોના પ્રભાવિત શહેર વુહાન પહોંચ્યું હતું. વિદેશમંત્રીએ જણાવ્યું કે, ચીનના લોકો પ્રત્યે અમારી સંવેદના છે અને આવા મુશ્કેલ સમયમાં અમે ચીનની સાથે ઉભા છીએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ મોડી રાત્રે જાપાનમાં “ડાયમંડ પ્રિન્સેસ” જહાજમાં ફસાયેલા લોકોને લઈને એર ઈન્ડિયાનું વિમાન દિલ્હી પહોંચ્યું હતું. આ વિમાનમાં 119 ભારતીયો સહિત 5 વિદેશી નાગરિકો પણ સામેલ હતા. આ વિમાનમાં શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરૂના નાગરિકોને એરલિફ્ટ કરીને દિલ્હીમાં લાવવામાં આવ્યા છે.