ગાંધીનગરગુજરાત

રૂ. ૩૯,૦૦૦ કરોડનું આઉટસોર્સીંગ કૌભાંડ કરતી ભાજપ સરકાર : પરેશ ધાનાણી

• નર્મદા મુદ્દે નાયબ મુખ્‍યમંત્રીના કોંગ્રેસ પરના આક્ષેપો પાયાવિહોણા
• ‘નર્મદે સર્વદે’ના મંત્ર સાથે કોંગ્રેસ પક્ષ હંમેશા આગળ વધ્‍યો છે
• કરાર આધારિત, ફીક્‍સ પગાર અને આઉટસોર્સીંગ દ્વારા ૬,૯૩,૦૦૦ કરતાં વધુ યુવાનોનું શોષણ
• કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં ભાજપ સરકારનું રૂ. ૧૬૩ કરોડનું કૌભાંડ

ગાંધીનગર :
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આજરોજ વિધાનસભામાં ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્‍યાન નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ નર્મદા બંધની ઉંચાઈ મુદ્દે લગાવેલા આરોપો સદંતર ખોટા અને પાયાવિહોણા છે. વર્ષ ૨૦૦૬માં અહમદભાઈના નેતૃત્‍વ તળે કોંગ્રેસ અધ્‍યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના સહકારથી તત્‍કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહે સરકાર વતી નર્મદા બંધની ઉંચાઈ વધારવા કોર્ટમાં લેખિત બાંહેધરી આપી હતી. કોંગ્રેસ પક્ષ ક્‍યારેય નર્મદા વિરોધી રહ્‌યો નથી કે નર્મદા મુદ્દે ક્‍યારેય રાજકારણ પણ કર્યું નથી. ‘નર્મદે સર્વદે’ના મંત્ર સાથે કોંગ્રેસ પક્ષ હંમેશા આગળ વધ્‍યો છે. વર્ષ ૨૦૦૬માં કેન્‍દ્ર સરકારની મંજુરી હોવા છતાં મધ્‍યપ્રદેશની ભાજપ સરકારે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા મોકલાયેલ રૂપિયા વિસ્‍થાપિતોને આપ્‍યા ન હતા, જેના કારણે નર્મદા ડેમની ઊંચાઈ વધારવામાં અવરોધા ઉભા થયા હતા.
શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, નર્મદા ડેમના દરવાજા હવે ચડી ગયા છે અને સારા વરસાદથી ડેમ પણ છલકાઈ ગયો છે અને કરોડો લિટર પાણી દરિયામાં પણ વહી ગયું છે ત્‍યારે સરકારે જણાવવું જોઈએ કે નર્મદા ડેમમાં પાણીનો સંપૂર્ણ જથ્‍થો હોવા છતાં સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના ખેડુતોના ખેતર સુધી પાણી પહોંચાડવામાં સરકાર કેમ નિષ્‍ફળ ગઈ છે ? નર્મદાથી ૧૮ લાખ ૪૫ હજાર હેક્‍ટર પાણી પહોંચાડવાનું હતું. નર્મદા યોજનાના કમાન્‍ડ વિસ્‍તારમાંથી અમુક વિસ્‍તાર ઘટાડવામાં આવ્‍યો છે. સરકારે પોતે સામાજીક આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્‍યું છે કે, રાજ્‍યમાં ૨૫ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર માત્ર ૩૫% વિસ્‍તારમાં જ સિંચાઈનું પાણી પહોંચાડી શકી છે. ત્‍યારે ભાજપ સરકારે જણાવવું જોઈએ કે, નર્મદાની મુખ્‍ય કેનાલ, શાખા, વિશાખા, પ્રશાખા, પ્રપ્રશાખા વગેરેનું કેટલું કામ બાકી છે ? આ બાકી કામ ક્‍યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ગુજરાતના ખેડુતોને નર્મદાનું પાણી ક્‍યાં સુધીમાં પહોંચાડવામાં આવશે ? એવો પ્રશ્ન શ્રી પરેશ ધાનાણીએ કર્યો હતો.
રાજ્‍યમાં કરાર આધારિત, ફીક્‍સ પગાર અને આઉટસોર્સીંગ સેવા હેઠળ કુલ ૬,૯૩,૦૦૦ કરતાં વધુ યુવાનોનું શોષણ થતું હોવાનો આક્ષેપ કરતાં શ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આઉટસોર્સીંગની જુની નીતિના કારણે માત્ર આરોગ્‍ય વિભાગને જ વાર્ષિક રૂ. ૧૦૦ કરોડનું નુકસાન થઈ રહયું હતું તેવું નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ આજે ગૃહમાં સ્‍વીકાર્યું છે. વર્ષ ૨૦૦૬થી શરૂ થયેલ આઉટસોર્સીંગ પ્રથાને આજે ૧૫ વર્ષ થયા એટલે કે વાર્ષિક રૂ. ૧૦૦ કરોડ લેખે કુલ રૂ. ૧,૫૦૦ કરોડનું માત્ર એક જ વિભાગને નુકસાન થતું હોય તો ૨૬ વિભાગોમાં આઉટસોર્સીંગને કારણે રૂ. ૩૯,૦૦૦ કરોડનું નુકસાન થાય છે. ત્‍યારે આ રૂ. ૩૯,૦૦૦ કરોડની કટકી કોણ કરી ગયું ? તેની સરકારે સ્‍પષ્‍ટતા કરવી જોઈએ.
શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, મુઠ્ઠીભર મળતિયાઓની ખાનગી આઉટસોર્સીંગ એજન્‍સીઓ જેવી કે નાકરાણી, એમ. જે. સોલંકી, ડી. બી. એન્‍ટરપ્રાઈઝ, રાજદીપ એન્‍ટરપ્રાઈઝ, વિશ્વ એન્‍ટરપ્રાઈઝ, વાઘેલા એન્‍ટરપ્રાઈઝ, સમીર એન્‍ડ શાહ, ઈથીયોસ વગેરે એજન્‍સીઓ મારફત ગુણવત્તાવિહીન યુવાનોને સરકારી નોકરીમાં સમાવવા માટે ભાજપ સરકાર સતત પ્રયાસ કરે છે. સરકાર દ્વારા આવી એજન્‍સીઓને ચુકવાતા મહેનતાણા અને મજબુરીવશ સેવા આપતા યુવાનોને ચુકવાતા મહેનતાણા વચ્‍ચે ભારે મોટો તફાવત જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૦૬થી ૨૬ વિભાગ, ૪૩ પ્રભાગ અને ૧૯૨ કરતાં વધુ બોર્ડ, નિગમ અને અર્ધ સરકારી સંસ્‍થાઓમાં આઉટસોર્સીંગથી ૬,૯૩,૦૦૦ યુવાનોનું શોષણ ભાજપ સરકાર કરી રહી છે. ગુજરાતનો ગરીબ યુવાન મહેનત કરે અને તેને વેતન ચુકવવાના બદલે સરકાર દ્વારા તેના મળતીયાઓની આઉટસોર્સીંગ એજન્‍સીઓને રૂ. ૩૯,૦૦૦ કરોડથી વધુ રકમ ચુકવીને કૌભાંડ કોણે કર્યું તેવો પ્રશ્ન શ્રી ધાનાણીએ કર્યો હતો.
આજે વિધાનસભા ગૃહમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્‍યાન કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની યોજનામાં રૂ. ૧૬૩ કરોડના ગોટાળાનો આક્ષેપ કરતાં શ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં કોલેજમાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓમાંથી ચાલુ વર્ષે કુલ ૩,૦૯,૬૫૧ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, તે પૈકી માત્ર ૧,૫૦,૭૮૫ વિદ્યાર્થીઓને ટેબલેટ અપાયા હતા તેમજ ૧,૫૮,૮૬૬ ટેબલેટ આપવાના બાકી રહેલ છે. આ ટેબલેટ લીનોવો કંપની પાસેથી રૂ. ૬,૬૬૭ પ્રતિ ટેબલેટના ભાવથી ખરીદાયેલ છે. આ ટેબલેટ અલીબાબા નામની વેબસાઈટ પરથી માત્ર રૂ. ૧૪૦૮માં જ મળે છે. આમ, વિદ્યાર્થીઓનો ફાળો રૂ. ૧,૦૦૦ બાદ કરતાં સરકારે ફક્‍ત રૂ. ૪૦૮ જ ચૂકવવાના થાય છે. આમ, સરકાર દ્વારા ટેબલેટદીઠ રૂ. ૫,૨૫૯ લેખે રૂ. ૧૬૨ કરોડ ૮૪ લાખ ૫૪ હજાર ૬૦૯નું કૌભાંડ આ ભાજપ સરકારમાં આચરાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x