અમદાવાદ બાપુનગર ભીડભંજન માર્કેટમાં શોટ સર્કિટના કારણે આગ, 25થી વધુ દુકાનો બળીને ખાખ
અમદાવાદ :
રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ હવે વધવા લાગી છે. સરકાર દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા હોવા છતાં કોઈક જગ્યાએ કચાશ રહી જતી હોય છે તેવું જણાય છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અંદાજે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ આગ લાગવાનો બનાવ નોંધાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ પહોંચી હતી અને આગને કાબુમાં મેળવવાના પ્રયત્નો કરી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન માર્કેટમાં રાત્રે 9.30 વાગ્યાના સુમારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ભીડભંજન માર્કેટમાં કપડાની દુકાન, સાડીની દુકાન, કટલરી, નોવેલ્ટી સ્ટોર્સ આવેલા છે. જેમાંથી મોટા ભાગના બળીને ખાખ થઇ ગયા હતા. અંદાજે 25-30 જેટલી દુકાનો આગમાં બળીને ખાખ થઇ ગઈ હોવાનું સામે આવ્યું છે.
ફાયર બ્રિગેડને આગ લાગી હોવાનું જાણ તથા પહોંચી હતી અને 5થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આગ લાગી હોવાની જાણ થતા ટોળેટોળા ઉમટ્યા હતા અને તેને કાબુમાં મેળવવા માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબુમાં મેળવી હતી.