Coronavirus : વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો ?
દુનિયામાં ભારત, અમેરિકા, બ્રિટન સમેત 186 દેશો કોરોના વાઇરસની ચપેટમાં આવી ગયા છે. કોરોના વાઇરસથી દુનિયામાં આશરે 5 લાખ લોકો સંક્રમતિ છે અને તેને કારણે 23000થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
ભારતના 22 રાજ્યોના 75 જિલ્લાઓમાં કોરોના વાઇરસના સંક્રમણની પૃષ્ટિ થઈ છે. ભારતમાં 700 જેટલા કેસો મળ્યા છે અને 17 લોકોનાં મૃત્યુ થયાં છે.
કોવિડ 19 શું છે, તે કેવી રીતે ફેલાય છે? તેનો ચેપ અટકાવવા માટે હાથને સાબુ તથા પાણીથી નિયમિત રીતે ધુઓ.
પોતાને કેવી રીતે બચાવવા?
વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે.
સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.
કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપા તરે છે.
જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપા પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપા પડ્યા હોય અથવા એ ટીપા તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે.
ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો.
ગંદા હાથે ચહેરાને ન અડવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે.
મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે ફેસ-માસ્કથી અસરકારક રીતે રક્ષણ નથી મળતું.
કોરોના વાઇસના લક્ષણ શું છે?
કોરોના વાઇરસની અસર ફેફસાં પર થાય છે. આની શરૂઆત તાવ અને સૂકા કફથી થાય છે જેનાંથી શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે.
વૈજ્ઞાનિકો કહે છે કે વાઇરસ સંક્રમણના લક્ષણ દેખાવામાં સરેરાશ પાંચ દિવસ લાગી જતા હોય છે.
જે વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થયું હોય તેનાથી આ ઇન્ફેક્શન ફેલાવવાની સૌથી વધારે શક્યતા આ પાંચ દિવસોમાં જ હોય છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના કહેવા પ્રમાણે, વાઇરસના શરીરમાં પ્રવેશ તથા લક્ષણ દેખાવવામાં 14 દિવસ જેટલો સમય લાગી શકે છે.
જોકે, કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે, તેમાં 24 દિવસ જેટલો સમય લાગી શકે છે.
જોકેસ એવું પણ નિષ્ણાતો કહે છે કે વ્યક્તિ બીમાર પડે એ પહેલાં પણ તેનાથી સંક્રમણ ફેલાવવાની શક્યતા છે.
એવું પણ બને કે શરૂઆતી લક્ષણને ઋતુ બદલાવવાને કારણે થતા તાવ અને શરદી સમજી લઈએ.
કોરોના વાઇરસ કેટલો ઘાતક?
વાઇરસના સંક્રમણથી થનાર મૃત્યુનો દર એકથી બે ટકા જેટલો છે- પરંતુ આ આંકડો હજુ ખાતરીપૂર્વક કહી શકાય એવો નથી.
હજુ હજારો લોકોની સારવાર ચાલી રહી છે અને તેમાંથી કેટલાક લોકોનાં મૃત્યુ થાય તો મૃત્યુદર વધી શકે છે. આની સામે કેટલાક દેશોમાં કોરોના વાઇસના હળવા સંક્રમણ કેસ હજી સામે ન પણ આવ્યા હોય, અને એ રીતે મૃત્યુનો દર ઓછો થઈ શકે છે.
લક્ષણો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 56 હજાર જેટલા દર્દીઓના ડેટાનો અભ્યાસ કર્યો જેમાં જાણવા મળ્યું કે છ ટકા લોકો ગંભીર રીતે બીમાર પડ્યા જેમાં ફેફસાં નકામા થવા, સૅપ્ટિક શૉક, ઑર્ગન ફૅલિયર અને મૃત્યુનો ખતરો વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આમ, 14 ટકા લોકોમાં ગંભીર લક્ષણ દેખાયા-શ્વાસ લેવામાં તકલીફ વગેરે જોવા મળ્યા તો 80 ટકા લોકોમાં હળવા લક્ષણ જોવા મળ્યા જેમ કે તાવ, શરદી અને ન્યૂમોનિયા.
કેટલાક કેસ નોંધાયા જ નથી.
વૃદ્ધો અને પહેલેથી અસ્થમા, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓથી પીડાતા લોકો કોરોના વાઇરસને કારણે વધારે ગંભીર રીતે બીમાર પડી શકે છે.
દર્દીને શ્વાસ લેવામાં મદદરૂપ થાય તેવી સારવાર ત્યાં સુધી આપવામાં આવે જ્યાં સુધી તેનું શરીર વાઇરસ સામે લડી શકે છે.
કોરોના વાઇસ કોવિડ-19ની રસી બનાવવાનું કામ હજુ ચાલુ જ છે.
ચેપગ્રસ્તનો સંપર્ક થાય તો ?
જો તમે કોઈ ચેપગ્રસ્તના સંપર્કમાં આવ્યા હતા, તેવું બહાર આવે, તો થોડા દિવસ માટે અન્ય લોકોને ન મળવાની સલાહ આપી શકાય છે.
પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડના કહેવા પ્રમાણે, જે લોકોને આશંકા હોય કે તેઓ ચેપગ્રસ્ત છે, તેમણે મેડિકલ સ્ટોર, તબીબ કે હૉસ્પિટલની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ અને ફોન ઉપર કે ઑનલાઇન માર્ગદર્શન મેળવવું જોઈએ.
જે લોકો તાજેતરમાં વિદેશની મુલાકાત લઈને વતન ફર્યાં છે, તેમને થોડા દિવસ માટે ક્વોરૅન્ટીન રહેવાની સલાહ અપાય રહી છે.
અનેક દેશોએ વાઇરસનો ‘સામુદાયિક ફેલાવો’ અટકાવવા માટે સ્કૂલ-કૉલેજ બંધ કરવા તથા ધાર્મિક અને સામાજિક સભા બંધ કરવા જેવા નિર્ણય લેવામાં આવ્યા છે.