ગુજરાતરાષ્ટ્રીય

દિલ્હીના તબલીઘી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાવનગરના 17 અને સુરતના 76 લોકો ગયા હતા, એકનું મોત, SIT દ્વારા શોધખોળ.

અમદાવાદ:

દિલ્હીમાં તબલીઘી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ 15 દેશના આશરે 1700 લોકો એકઠાં થયાં હતાં. જેમાંથી 1033 લોકો વતન પહોંચી ચૂક્યા છે. જેમાંના 24થી વધુ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9ના મોત થઈ ગયા છે. તબલીઘી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાતના પણ અનેક લોકો ભાગ લેવા ગયા હોવાની જાણ થતા ગુજરાત સરકાર દોડતી થઈ છે. તેમની શોધખોળ માટે ભાવનગર જિલ્લા રેન્જ આઇજીએ અશોક યાદવે SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરી છે. રેન્જ IG અશોક યાદવે કહ્યું કે આ કાર્યક્રમમાં ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો મળી 17 લોકોએ ભાગ લીધો હતો. આ 17 લોકોમાંથી એકનું કોરોનાને કારણે મોત થઈ ગયું છે. જ્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર મુજબ તબલીઘી જમાતના 76 લોકો આ કાર્યક્રમમાં ગયા હતા. આ ઉપરાંત બનાસકાંઠાના ભાભરના પણ 11 લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા હોવાની ચર્ચા ચાલી છે. જેમાંથી સુરત મહાનગરપાલિકાએ 72 લોકોને શોધી કાઢ્યાં છે, જ્યારે અન્ય 4 લોકોની શોધખોળ ચાલુ છે. હાલ મળેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.

ક્રાઈમ બ્રાન્ચ, ATSઅને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

આ મામલે ભાવનગર જિલ્લાપોલીસે પણ તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ ઉપરાંત ભાવનગર રેન્જના આઈજીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી તેમને ક્વોરન્ટીન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

તબલીઘીના કાર્યક્રમમાં ગયેલા 76 સુરતીઓને શોધવા કવાયત
તબલીઘીના કાર્યક્રમમાં ગયેલા 76 લોકો અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, 76 સુરતીઓ દિલ્હી ગયા હતાં આ લોકોમાં પણ કોરોનાનો ચેપ હોય શકે છે માટે આ તમામ લોકોને હાલ શોધવાની કામગીરી ચાલી રહી છે. લોકોને વિનંતી કરતાં કમિશનરે કહ્યું કે, આ લોકો આપની આસપાસ હોય તો આપ માહિતી આપી શકો છો જેથી કોરોનાનો ચેપ ન ફેલાય.

પોલીસ વડાનો ATSની મદદથી તમામને શોધી તાત્કાલિક ક્વોરન્ટીન કરવા આદેશ

આ કાર્યક્રમમાં કેટલા લોકો અને ક્યારે ગયા હતા તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી દીપન ભદ્રન અને ATS એસપી હિમાંશુ શુકલાને સોંપાઈ છે. આ લોકોને શોધીને તાત્કાલિક ક્વોરન્ટીન કરવા માટે ગુજરાત સરકારનું આખું તંત્ર કામે લાગ્યું છે. રાજ્ય પોલીસવડાએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને અત્યારે ઉચ્ચ અધિકારીઓ સાથે આવા તમામ લોકોને શોધવા બાબતે મીટીંગ કરી છે. તબલીઘી જમાતના લોકોને શોધવા માટે પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની મદદ લીધી છે. તેમજ આ શંકાસ્પદ વ્યક્તિઓને શોધીને એમના સંપર્કમાં આવેલા તમામની વિગતો એકઠી કરી તમામને તાત્કાલિક ક્વોરન્ટીન કરવા આદેશ કર્યાં છે.

કાર્યક્રમમાંથી આવ્યાના બીજા જ દિવસે ભાવનગર જિલ્લાના એક વ્યક્તિનું મોત
આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લામાંથી ગયેલા લોકોમાંથી અબ્દુલ કરીમભાઈનું ગુજરાત આવ્યાના બીજા દિવસે જ કોરોનાને કારણે મોત થઈ ગયું છે. જેથી હવે ભાવનગર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અન્ય લોકોને વેરિફાય કરવામાં આવ્યા છે. જેમાંથી હાલ ચાર લોકોને હોમ ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે એક વ્યકિતને તંત્ર દ્વારા ક્વોરેન્ટી કરાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x