ગાંધીનગરગુજરાત

અંત્યોદય –પી.એચ.એચ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણનો રાજ્યમાં પ્રારંભ

ગાંધીનગર :
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના સંક્રમણ સામે સતર્કતા રૂપે દેશભરમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના અંત્યોદય-શ્રમજીવી અને પી.એચ.એચ. રેશનકાર્ડ ધારકોને ખાદ્ય અન્ન વિનામૂલ્યે તા. ૧ એપ્રિલથી વિતરણ કરવા કરેલી જાહેરાતનો રાજ્યભરમાં અમલ શરૂ થઇ ગયો છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો સાથે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા-ઉપલબ્ધિની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.

તેમણે કહ્યું કે, રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ માટે ઘઉં, ખાંડ અને ચોખાનો સંપૂર્ણ જરૂરિયાત મુજબનો જથ્થો પહોચાડી દેવાયો છે.

મીઠું ૭ર ટકા અને ચણા દાળનો ૮૭ ટકા જથ્થો વિતરણ માટે પહોંચી ગયો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકો અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને સ્પષ્ટપણે તાકીદ કરી છે કે અનાજ વિતરણની આ વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય એટલું જ નહિ, લોકો ભીડભાડ ન કરે તેની ખાસ વ્યવસ્થાઓ ગોઠવાય.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા લોકોને બે ટાઇમ ભોજન મળી રહે તે માટે સંવેદનશીલતાથી સમગ્ર તંત્રને પ્રેરિત કર્યુ છે.

આ સંદર્ભમાં રાજ્યભરમાં અત્યાર સુધીમાં રર લાખ ૩પ હજાર ૭પપ ભોજન ફૂડપેકેટસ સ્થાનિક સત્તાતંત્રોએ સેવા સંગઠનો-સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી વિતરીત કર્યા છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી.

તેમણે જણાવ્યું કે, લોકડાઉનની સ્થિતીમાં જરૂરતમંદ વ્યકિતઓને તબીબી સેવા-સહાય-ખાવા-પીવાની વ્યવસ્થા સહિતની મદદ માટે સ્ટેટ હેલ્પ લાઇન ૧૦૭૦ને અત્યાર સુધી રરપ૩ કોલ્સ અને જિલ્લા હેલ્પ લાઇન ૧૦૭૭ને ૯૩૪ર કોલ્સ મળ્યા છે તેમાં રાજ્ય સરકારે સંભવ મદદ પૂરી પાડી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવે રાજ્યમાં દૂધ, શાકભાજી વગેરેના પુરવઠાની માહિતી આપતાં જણાવ્યું કે, બુધવારે રાજ્યમાં ૪૬-૧૭ લાખ લિટર દૂધનું વિતરણ થયું છે.

રાજ્યમાં બુધવારે સવારે ૧ લાખ ૪ હજાર ૩૩૩ કવીન્ટલ શાકભાજી અને ૧૬પ૬ર કવીન્ટલ ફળફળાદિની આવક થઇ છે તેમ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ કે, બટાટા રપ૩૧૧ કવીન્ટલ, ડુંગળી ર૯૭૦૦ કવીન્ટલ, ટામેટા ૮૦૦પ કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી ૪૧૩૧પ કવીન્ટલના જથ્થામાં ઉપલબ્ધ છે.

ચૈત્રી નવરાત્રિના ઉપવાસ વ્રત કરનારા ભાવકોને ફળફળાદિ પણ સરળતાએ અને પૂરતી માત્રામાં મળી રહે છે તેમ તેમણે કહ્યું હતું.

આ સંદર્ભમાં વિગતો આપતાં શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ કે, ૪૮૯ કવીન્ટલ સફરજન, ૯૦ર કવીન્ટલ કેળાં અને ૧૬પ૬ર અન્ય ફળોની આવક રાજ્યમાં થઇ છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ સાથે આ વેળાએ અન્ન નાગરિક પુરવઠા સચિવ શ્રી મોહમદ શાહિદ અને નાગરિક પુરવઠા નિગમના કાર્યકારી એમ.ડી. તુષાર ધોળકીયા પણ જોડાયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x