જાણો ક્યા ઉધોગપતિ વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાંથી બહાર ફેંકાયા….
અમદાવાદ :
કોરોના વાયરસના પગલે વૈશ્વિક અર્થતંત્રને ભારે અસર થઇ છે. ભારતીય બજારોમાં પણ તેની અસર જોવા મળી છે. આ જ કારણોસર, ભારતના સૌથી અમીર વ્યક્તિ ગણાતા એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ ઘટાડો થયો છે. હુરુન રિપોર્ટ ઇન્કોર્પોરેટ દ્વારા કોવિડ-19ની બે મહિના બાદ સંપત્તિ પર અસર અંગે એક ગ્લોબલ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણી કે જે પહેલા વિશ્વના અમીરોની યાદીમાં 9માં સ્થાને હતા તે હવે ટોપ-10ની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં વીતેલા બે મહિનામાં 28%નો ઘટાડો થયો છે.
મુકેશ અંબાણીની સંપત્તિમાં 19 અબજ ડોલરનો ઘટાડો
હુરુનના રીપોર્ટ મુજબ ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન મુકેશ અંબાણીની સંપત્તિ 19 અબજ ડોલર ઘટતા તેમની નેટવર્થ 48 અબજ ડોલર થઇ હતી. આ સમય દરમિયાન ભારતીય શેર બજારો પણ 25% જેટલા તૂટ્યા હતા. આ સમયગાળામાં વૈશ્વિક સ્તરે સૌથી વધુ સંપત્તિ સંપત્તિ ગુમાંવાનારોમાં મુકેશ અંબાણી બીજા ક્રમે રહ્યા હતા. તેમને બે મહિના દરમિયાન રોજનું 300 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું.
ટોપ-100 અમીરોમાં હવે મુકેશ અંબાણી એક માત્ર ભારતીય
વિશ્વના ટોચના 100 અમીરોની યાદીમાં અગાઉ અદાણી ગ્રુપના ગૌતમ અદાની, HCL ટેક્નોલોજીસના શિવ નાદાર અને કોટક બેન્કના ઉદય કોટકનો શમાવેશ થતો હતો. પરંતુ પાછલા બે મહિનામાં કોરોનાના કારણે જે પરિસ્થિતિ ઉભી થઇ છે તેના કારણે આ ત્રણેયના નામ ટોપ-100માંથી બહાર નીકળી ગયા છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં 6 અબજ ડોલર, શિવ નાદાર 5 અબજ ડોલર અને ઉદય કોટકની વેલ્થમાં 4 અબજ ડોલરનું ધોવાણ થયું છે.
રૂપિયા અને શેરબજારમાં ઘટાડાથી ભારતીય ઉદ્યોગપતિઓને આંચકો
હુરન રિપોર્ટ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અણસ રહેમાને જણાવ્યું હતું કે, શેર બજારોમાં 26%નો ઘટાડો અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં 5.2%નો ઘટાડો થતાં ભારતના ટોચના ઉદ્યોગપતિઓને આંચકો લાગ્યો છે. મુકેશ અંબાણીની સંપત્તિ 28%, ગૌતમ અદાણી 37%, શિવ નાદાર 26% અને ઉદય કોટકની સંપત્તિમાં 28%નો ઘટાડો નોંધાયો છે.