જાણો… ચલણી નોટ પર કેટલા દિવસ સુધી જીવતો રહી શકે છે કોરોના વાયરસ, અત્યંત ચોંકાવનારો રિપોર્ટ.
નવી દિલ્હી :
કોરોના વાયરસથી બચવા માટે તમે હાલ અનેક ઉપાયો અજમાવતા હશો. લિફ્ટના બટનને કે દરવાજાના હેન્ડલને ખુબ સાવધાનીથી સ્પર્શ કરતા હશો કારણ કે હાલના દિવસોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. આ બધા વચ્ચે અનેક ખુલાસા પણ થતા રહે છે. જેમાં સૌથી મહત્વનો એ છે કે જેનો નાણાકીય લેવડદેવડમાં ખુબ જ ઉપયોગ થાય છે તે ચલણી નોટોમાં સૌથી વધુ સમય માટે કોરોના વાયરસ રહી શકે છે. આવો તમને જણાવીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ લાંબા સમય માટે હુમલા માટે તૈયાર રહે છે.
બેન્ક નોટ, સ્ટીલ અને પ્લાસ્ટિકની વસ્તુઓથી રહો સાવધ
હોંગકોંગ યુનિવર્સિટીના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે કોરોના વાયરસ ચહેરા પર લગાવવામાં આવનારા માસ્ક પર અઠવાડિયા સુધી અને બેન્ક નોટ, સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર અનેક દિવસો સુધી જીવતો રહી શકે છે અને સંક્રમણ ફેલાવવામાં સક્ષમ છે. બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ મેગેઝીન લેસેન્ટમાં છપાયેલા આ અભ્યાસ મુજબ આ વાયરસ સામાન્ય તાપ પર વિભિન્ન સપાટી પર કેટલો રહી શકે છે અને સંકામક બની શકે છે તે જણાવ્યું છે. તેમણે અભ્યાસમાં જાણ્યું કે પ્રિન્ટિંગ અને ટિશ્યુ પેપરર પર તે ત્રણ કલાક જ્યારે લાકડી કે કપડાં પર તે એક દિવસ સુધી રહી શકે છે. કાચ અને બેન્ક નોટ પર આ વાયરસ ચાર દિવસ સુધી જ્યારે સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક પર ચાર દિવસથી લઈને સાત દિવસ સુધી જીવતો રહી શકે છે.
માસ્કમાં પણ લાંબા સમય સુધી જીવતો રહી શકે છે વાયરસ
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે સોમવારે જણાવ્યું કે અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર ચાર દિવસ સુધી ચીપકી રહે છે જ્યારે ચહેરા પર લગાવવામાં આવતા માસ્કની બહારની સપાટી પર તે અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. આ અભ્યાસ સાર્સ-સીઓવી2ની સ્થિરતાને લઈને સતત થઈ રહેલા અભ્યાસોમાં વધુ જાણકારી જોડે છે તથા જણાવે છે કે તેને ફેલાવતો કેવી રીતે રોકી શકાય.
અભ્યાસમાં એવુ સૂચન આપવામાં આવ્યું છે કે વાયરસ ઘરમાં ઉપયોગમાં લેવાતા કીટાણુનાશકો, બ્લીચ કે પછી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાથી મરી જશે. હોંગકોંગ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિસર્ચર્સ લિયો પૂન લિતમેન અને મલિક પેરીઝે કહ્યું કે સાર્સ-સીઓવી2 અનુકૂળ વાતાવરણમાં ખુબ સ્થિર રહી શકે છે પરંતુ તે રોગમુક્ત કરવાના માપદંડો પ્રત્યે અતિસંવેદનશીલ પણ છે.