લૉકડાઉનના સંજોગોમાં રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર, માર્કેટયાર્ડ 16 એપ્રિલથી ખુલે તેવી શક્યતા
ગાંધીનગર :
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પ્રકોપને કારણે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેના પગલે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) બંધ છે. જોકે, ખેડૂતોની માગ અને અનાજની આવનારા દિવસોમાં પડનારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી આવતીકાલથી રાજ્યના અમુક યાર્ડો ફરી શરુ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, વેપારીઓ અને કમિશન એજન્ટ્સ માર્કેટ યાર્ડમાં ખરીદી કરવાના બદલે ખેડૂતના ખેતર પર જઈને જ સીધી ખરીદી કરે તેવી વ્યવસ્થા જે તે બજારની સમિતિએ ગોઠવાય તેે પણ જરૂરી છે.
આ સાથે જ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફિકેશનમાં પણ જણાવવામાં આવ્યું છે કે, બજારમાં અનાજની હરાજી વખતે વેપારીઓ અને ખેડૂતો સહિત 40-50 લોકો ભેગા થતા હોય છે. આ સ્થિતિના નિરાકરણ માટે વેપારીઓ અને કમિશન એજન્ટ્સ માર્કેટ યાર્ડમાં ખરીદી કરવાના બદલે ખેડૂતના ખેતર પર જઈને જ સીધી ખરીદી કરે તેવી વ્યવસ્થા જે તે બજારની સમિતિએ ગોઠવવી જોઈએ.
અરવલ્લીના માર્કેટ યાર્ડ 16 એપ્રિલથી ખુલ્લુ
અરવલ્લીના માર્કેટ યાર્ડ 16 એપ્રિલથી ખુલ્લુ રાખવામાં આવશે. સવારે 11:30થી બપોર 1 વાગ્યા સુધી હરાજી કરવામાં આવશે. મોડાસા યાર્ડમાં હરાજી માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યો છે. અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતને યાર્ડમાં પ્રવેશ મળશે. અગાઉથી જ ફોન પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ સાથે યાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતોને આદેશ અપાયો છે કે સાધનમાં ફકત બે માણસો જ યાર્ડમાં પ્રવેશ લઈ શકશે અને તમામ યાર્ડમાં આવનારા ખેડૂતો અને વેપારીઓએ માસ્ક પહેરવું ફજિયાત છે.
મોટી APMC સમિતિઓએ ચાલુ કરવા અંગે નથી લીધો કોઇ નિર્ણય
રાજકોટ, ગોંડલ, ઊંઝા, જુનાગઢ સહિત રાજ્યમાં મોટા ગણાતા અને જ્યાં અનાજનું વેચાણ પણ વધારે થઇ રહી છે તેવી APMC સમિતિઓએ હજુ સુધી હરાજી શરુ કરવા અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય કર્યો નથી. વેરાવળ, પાટણ, ભાબર જેવા યાર્ડોમાં 14 એપ્રિલથી હરાજી શરૂ કરવામાં આવશે.
રવી પાકની ખરીદી માટે ગુજકોમાસોલને જવાબદારી સોંપાઇ
રવી પાકની ખરીદી માટે ગુજકોમાસોલને જવાબદારી સોંપવામાં આવી છે. ચણા અને રાયડાની ટેકાના ભાવે હવે ગુજકોમાસોલ ખરીદી કરશે. 1મેથી ખેડૂતોએ કરેલી ઓનલાઈન રજીસ્ટ્રેશનના આધારે ગુજકોમાસોલ રાયડો અને ચણાની ખરીદી કરશે. ગુજકોમાસોલને જવાબાદારી સોંપાતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને ખરીદીમાંથી મુક્તિ આપવામાં આવી છે.