સરકારી તથા ખાનગી શાળા/કોલેજોમાં વિદ્યાર્થીઓની 6 માસની ફી માફ કરો : પરેશ ધાનાણી
ગાંધીનગર :
આજ રોજ ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા મુખ્યમંત્રી શ્રી તેમજ શિક્ષણ મંત્રી શ્રી ને ને પત્ર લખીને માંગણી કરી હતી કે, હાલમાં કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ છે, જે ફરી ક્યારે ચાલુ થાય તે નક્કી નથી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયેલ છે. બીજા તબક્કાનું લોકડાઉન તા. 15-4-2020થી તા. 3-5-2020 સુધી જાહેર થયેલ છે. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રાજ્યમાં દિવસેને દિવસે વધતી જાય છે, જેથી હાલના સંજોગો જોતાં સ્થિ્તિ પૂર્વવત્ ક્યારે થાય તે કહેવુ મુશ્કેલ છે. હાલની પરિસ્થિતિ જોતાં આગામી લાંબા સમય સુધી ધંધા-રોજગાર ચાલુ થાય તેવી કોઈ શક્ય્તા જણાતી નથી. નાના-મધ્યમ ધંધાર્થીઓ પોતાનો રોજગાર બંધ કરીને ભુખમરો વેઠી રહેલ છે. છ માસ બાદ પણ સ્થિતિ સામાન્ય થતા જ્યારે આવા ધંધાર્થીઓ પોતાના બાળકોને શાળા-કોલેજ મોકલશે ત્યારે સરકારી અને ખાનગી શાળાના સંચાલકો શિક્ષણ પૂરું પાડયા વિના તગડી ફી માંગશે. ત્યારે આર્થિક રીતે પડી ભાંગેલ રાજ્યની પ્રજા ફી અંગેનો ત્રાસ સહન કરી શકશે નહીં અને રાજ્ય માં શિક્ષણ ક્ષેત્રની હાલત વણસી જશે.
ગુજરાત કોરોના વાયરસના મહામારીના કારણે શિક્ષણ ક્ષેત્રે પાછળ ધકેલાઈ ન જાય, ગરીબ વાલીઓ તેમના બાળકોને ભણાવવાથી વંચિત ન રહે એ જોવાની જવાબદારી સરકારશ્રીની છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસની મહામારીને ધ્યારમાં લેતાં આર્થિક સંકડામણ ભોગવતી રાજ્યની પ્રજા ફીની ચિંતા કર્યા વિના શાળા-કોલેજોએ પોતાના બાળકોને મોકલી શકે તે માટે સરકારશ્રીએ આ બાબતને અતિ સંવેદનશીલ ગણી, રાજ્યની પ્રજા અને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ, આગામી છ માસ સુધી સરકારી અને ખાનગી શાળા-કોલેજોની ફી સંપૂર્ણપણે માફ કરવા અંગે શાળા સંચાલકોને સત્વરે સૂચના આપવા અને સત્વરે ફી માફીની જાહેરાત કરવા વિરોધ પક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ માંગણી કરી હતી.