કડીમાં ધોળેદહાડે મોઢા પર સ્પ્રે છાંટી 2 છોકરીઓનું અપહરણ, માર્ગો પર નાકાબંધી
કડી:કડી પોલીસ સ્ટેશનની પાછળ ધરતી સીટી નજીકથી ગુરુવારે બપોરે ઇકો ગાડીમાં આવેલા અજાણ્યા શખસો બે છોકરીઓને બળજબરીપૂર્વક ગાડીમાં ખેંચીને ઉઠાવી ગયા હોવાની જાણ નજરે જોનારી યુવતીએ કડી પોલીસને કરતાં પોલીસ હરકતમાં આવી ગઇ છે. પોલીસે શહેરમાં નાકાબંધી અને ત્રણ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાને પગલે શહેરીજનોમાં ભયનો માહોલ ખડો થયો છે.
કડી પોલીસ સ્ટેશનની પાછળ 300 મીટરના અંતરે આવેલી ધરતી સીટી રોડ પર હનુમાનજી મંદિર પાસેથી ગુરુવારે બપોરે 12-30 વાગે શહેરની પ્રભુનગર સોસાયટીમાં રહેતી મનીષા મહેશ્વરી નામની યુવતી પસાર થઇ રહી હતી. તે દરમિયાન તેની આગળ ઇકો ગાડીમાં આવેલા કેટલાક શખસો બે છોકરીઓને મોઢા પર સ્પ્રે છાંટી બળજબરીપૂર્વક હાથથી ખેંચીને ગાડીમાં ઉપાડી ગયાનું નજરે જોતાં ગભરાઇ ગયેલી મનીષાએ ઘરે પહોંચી જાણ કરતાં શહેર ભાજપ પ્રમુખ એવા તેના મામા શંકરભાઇ કેલાએ પીઆઇને ટેલિફોનથી જાણ કરતાં પોલીસ હરકતમાં આવી ગઇ હતી.
પોલીસે તાત્કાલિક બનાવની જગ્યાએ પહોંચી ત્યાંથી પસાર થતાં શહેરથી બહાર જવાના તમામ માર્ગો પર સ્ટાફને દોડાવી તાગ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. તેમજ આ રસ્તાઓ પરના સીસીટીવી ફૂટેજ પણ ફંફોશ્યા હતા. પરંતુ પોલીસને કોઇ સુરાગ મળ્યો ન હતો. બે યુવતીના અપહરણની વાત વાતવાયુ વેગે પ્રસરી જતાં શહેરીજનોમાં ચકચાર મચી ગઇ હતી. બનાવ અંગે કડી પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.