વાઈબ્રન્ટની સલામતી માટે NSGની બે ટીમ સ્ટેન્ડ ટુ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આગામી તા.૯થી વાઈબ્રન્ટ માહોલ જામવાનો છે ત્યારે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ હોવાના કારણે સમગ્ર રાજ્યની પોલીસ બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવી છે. આજે રાજ્યના ગૃહમંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહાત્મા મંદિર તેમજ એક્ઝિબીશન સેન્ટર અને અન્ય સ્થળોની મુલાકાત લઈ સુરક્ષાની વિગતો મેળવી હતી.
એટલું જ નહીં વાઈબ્રન્ટની સલામતી માટે ચાર હજાર પોલીસ ઉપરાંત દિલ્હીની નેશનલ સિક્યોરીટી ગાર્ડની બે ટીમોને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. તો મહાત્મા મંદિરમાં ફકત પાસ ધરાવતાં વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે અને જેમાં ક્યુઆર કોડ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે.
ગાંધીનગર શહેરના મહાત્મા મંદિર ખાતે દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના મહાનુભાવો પધારતાં હોય છે. ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી પણ ઘણી મહત્વની છે. ગાંધીનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ અધિકારીઓ અને પોલીસ જવાનોને ફરજ માટે બોલાવવામાં આવ્યા છે. યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં ગાંધીનગર રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા ઉપરાંત રપ જેટલા આઈપીએસ અધિકારીઓને ખાસ ફરજ સોંપવામાં આવી છે.
તો જે અધિકારીઓ દ્વારા ત્રણ વખતથી વધુ વાઈબ્રન્ટ સમિટની કામગીરી કરી હોવાથી તેમના અનુભવને બંદોબસ્ત માટે લાભ લેવામાં આવનાર છે.હાલ વાઈબ્રન્ટના બંદોબસ્તની ફાળવણી પણ કરી દેવામાં આવી છે ત્યારે વાઈબ્રન્ટ બંદોબસ્ત માટે પોલીસે પણ હાઈટેક સાધનોનો ઉપયોગ શરૃ કર્યો છે. તો આજે આ સમગ્ર બંદોબસ્તની કામગીરીના નિરિક્ષણ માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પોલીસ વડા પી.પી.પાંડે સહિત અન્ય પોલીસ અધિકારીઓએ મહાત્મા મંદિર અને એક્ઝિબીશન સેન્ટર આસપાસ મુલાકાત લઈને જરૃરી સુચનો આપ્યા હતા.
વાઈબ્રન્ટના આ મહા બંદોબસ્તમાં ચાર હજાર પોલીસ ઉપરાંત એક હજાર જેટલા એસઆરપી જવાનો પણ રોકાવાના છે તો વડાપ્રધાન સહિતના મહાનુભાવો આ સમિટમાં આવવાના હોવાથી તેમની સુરક્ષા અતિ મહત્વની છે ત્યારે નેશનલ સિક્યોરીટી ગાર્ડની બે ટીમને પણ ગાંધીનગર બોલાવી લેવામાં આવી છે.
આ ટીમે મહાત્મા મંદિર અને એક્ઝિબીશન સેન્ટર આસપાસની મુલાકાત લીધી હતી. આ ટીમો હાલ સ્ટેન્ડ ટુમાં રાખવામાં આવી છે. જરૃર પડે તેમની મદદ લેવામાં આવશે. તો મહાત્મા મંદિરમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓને પાસ ફરજિયાત કરાયાં છે અને તેમાં પણ ક્યુઆર કોડ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આવનાર તમામ વ્યક્તિઓની માહિતી તુરંત જ જાણી લેવાશે.