આરોગ્યગાંધીનગરગુજરાત

જાણો આયુર્વેદનો ઉપચાર કોરોના સામેની લડતમાં ઉપયોગી, કોરોનાવાઇરસ (COVID-19) થી ડરવાની જરૂર નથી : ડો.વિનાયક પંડ્યા

ગાંધીનગર :

આજે પૂરું વિશ્વ અને આપણો ભારત દેશ પણ કોરોના (COVID-19) થી સંક્રમિત છે. કોરોના શું છે એ હવે બધા જ જાણે છે. આપણે એ જાણીયે કે તેનાથી બચવાના ઉપાયો શું છે અને તેમાં ખોરાક અને દિનચર્યા – જીવન પદ્ધતિમાં શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે આપણે જોઈશું.

કોરોના વાઇરસ (COVID-19) ના લક્ષણ આયુર્વેદસંહિતામાં વર્ણવેલા કફ જ વાતજવર સમાન છે.

નસ્યકર્મ : દેશી ગાયના વલોણાંનાં ઘી ના બે – બે ટીંપા નાક ના બંને છિદ્રોમાં દિવસમાં બે વાર નાંખવાં જોઈએ

પદ્ધતિ : સીધા સુઈ જઈને ખભા નીચે ઓશીકું રાખો જેથી માથું પાછળની તરફ ઢળી જશે. પછી વારા ફરથી બંને નાકનાં કાણાંમાં 2-2 ટીંપા ઘી ના નાખો અને ધીમેથી શ્વાસ લો.

ધૂમપાન : લસણ, લીંડીપીપર, સુવા વગેરે ઔષધિ દ્રવ્યોથી બનેલી વર્તી (સ્ટિક) સહેજ સળગાવીને થતાં ધૂમાડાંને નાકથી લો અને મોંથી બહાર કાઢો. આ પ્રક્રિયા કફનો ઘટાડો કરે છે.

ધૂપ : લીંબડો, ગૂગળ, કપૂર, દેશી ગાયના સૂકાં છાણાંનો ધૂપ કરો. જે વાતાવરણને જંતુમુક્ત રાખવામાં મદદ કરે છે.

નાસ : તપેલીમાં ગરમ પાણી કરી તેમાં અજમો અને ફુદીનો ઉમેરી માથા પર ધાબળો કે ચાદર ઓઢીને દિવસમાં એક થી બે વાર દસ મિનિટ નાસ લેવો.

સવારે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ અને બપોરે સૂવું જોઈએ નહિ.

યોગ અને પ્રાણાયામ માટે ઓછામાં ઓછો 30 મિનિટનો સમય ફાળવો.

ખોરાક : દૂધની બનાવટો પનીર, ચીઝ, છાસ, દહીં, લસ્સી તથા ફાસ્ટફૂડ, જંકફૂડ, તળેલી આઇટમો, મીઠાઈ, આઈસ્ક્રીમ, ઠંડાપીણાં, કેળા, બેકરી આઈટમ, બ્રેડ, ઠંડુ પાણી વેગેરેનો ઉપયોગ ન કરવો.

તાજો અને ગરમ ખોરાક જ લેવો જોઈએ મગ અને રોટલી શ્રેષ્ઠ આહાર ગણી શકાય. શક્ય હોય તો રાતનું જમવાનું છોડવું જોઈયે.

જ્યાં તેલનો વપરાશ કરવો હોય ત્યાં ફક્ત તલ તેલ અથવા મગફળી તેલનો ઉપયોગ કરવો. ઓર્ગેનિક શાકભાજી અને ફળો જ વાપરો

લોકડાઉનના સમયને વેકેશન સમજીને પચવામાં ભારે વાનગીઓ ન ખાવી.

પાણી : ઠંડુ (ફ્રીજ) નું પાણી બિલકુલ ન વાપરવું. સુંઠ નાખીને બનાવેલું પાણી ઉત્તમ છે.

પદ્ધતિ : જો બે લીટર પાણી બનાવવું હોય તો તેમાં એક ચમચી સુંઠ પાવડર નાખી તેને દસ મિનિટ ઉકાળો. આમ તૈયાર થયેલું પાણી થર્મસ બોટલમાં ભરી તેવા પાણીનું ગરમ ગરમ સતત સેવન કરો. હાલની ઋતુ અનુસાર ત્રણ થી ચાર લીટર પાણીનું સેવન કરવું જોઈએ.

ગંડૂષક્રિયા : તલનું તેલ મોં આખું ભરાઈ જાય એટલું મોં માં ભરી આકાશ તરફ જોઈ મોં પહોળું કરવું. કોઈજાતનો અવાજ ન કરવો. આ પોઝિશન સાત મિનિટ રાખી થુંકી નાખો. ત્યાર બાદ તેના પર ગરમ પાણીના કોગળાં કરી લો. અથવા એક લીટર પાણીમાં બે ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી પાંચ મિનિટ સુધી ઉકાળો ત્યાર બાદ સહન થાય તેટલું ગરમ હોય ત્યારે તેનાથી પણ ઉપર મુજબની પ્રક્રિયા – ગંડૂષ કરવું ફાયદાકારક છે. આમ કરવાથી મોં અને ગળામાં રહેલા બેકટેરિયાનો નાશ થાય છે.

હર્બલ ટી : સુંઠ પાવડર, તજ, મરી, સૂકી દ્રાક્ષની હર્બલ ટી બનાવી દિવસમાં બે વાર પીવી. સ્વાદ ફેર કરવા તેમાં ગોળ અને લીંબુ રસ ઉમેરી શકાય. આમ કરવાથી કફ નાશ પામે છે.

દૂધ : એક ગ્લાસ 200 ml ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરી દિવસમાં બે વાર પીવું જોઈએ.

ઔષધો: જણાવેલ દવાઓનો ઉપયોગ આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લઇને જ કરવો

1) ચ્યવનપ્રાશ : 10-12 ગ્રામ (એકચમચી) દરરોજ સવારે લેવો જોઈએ. ડાયાબિટીસના દર્દીએ સુગરફ્રી ચ્યવનપ્રાશ વાપરવો જોઈએ.

2) સંશમનીવટી : 4 – 4 ગોળી ખાલી પેટ સવાર સાંજ ભૂકો કરીને અથવા ચાવીને લેવી.

3) કલોન્જીચૂર્ણ : આમાં હાઈડ્રોકલોરોકવીન ભરપૂર માત્રામાં હોવાથી 2 ગ્રામ ચૂર્ણ ખાલી પેટ સવાર સાંજ લેવું.

4) ત્રિકટુચૂર્ણ : 100 ગ્રામ સૂંઠ પાવડર, 100 ગ્રામ મરી પાવડર, 100 ગ્રામ લીંડીપીપર પાવડર ભેગું કરીને બે ગ્રામ પાવડર દિવસમાં બે વાર મધ સાથે મિક્ષ કરીને લેવો જોઈએ. તૈયાર ત્રિકટુ ચૂર્ણ પણ લઇ શકાય.

5) તુલસી અને આદુનો તાજો રસ બે ચમચી દિવસમાં બે વાર મધ સાથે લેવો જોઈ. ઋતુ અનુસાર લીંબડાના મોરનો રસ પણ ઉત્તમ ગણાય.

6) ષડંગપાનીય : આયુર્વેદની દ્રષ્ટિએ આ ઉત્તમ પીણું છે. નાગરમોથ, પિત્તપાપડો, સુગંધીવાળો, સૂંઠપાવડર, ખસ, ચંદન આ છ ઔષધને ભેગા કરી એમાંથી દસ ગ્રામ એક લીટર પાણીમાં ઉકાળીને પીવું.

આ ઉપરાંત ઈન્દુકાન્તમકષાયમ, ઈન્દુકાન્તમક્વાથમ, ગુલુચ્યાદિકષાયમ, ગુલુચ્યાદિક્વાથમ, લક્ષ્મીવિલાસરસ, ત્રિભુવનકીર્તિરસ, મહાસુદર્શનઘનવટી, સિતોપલાદિચૂર્ણ + ત્રિકટુચૂર્ણ (સમભાગેસુંઠ, મરી, લીંડીપીપર પાવડર), અશ્વગંધાચૂર્ણ, ગળોચૂર્ણ, ચ્યવનપ્રાશ, બ્રહ્મરસાયન, કુષ્માંડરસાયન, દશમૂલારિષ્ટ, અશ્વગંધારિષ્ટ, અમ્રિતારિષ્ટનો નિશ્ચિત માત્રમાં ચિકિત્સકના સલાહ મુજબ ઉપયોગ કરી શકાય.

મારુ માનવું છે કે ઉપર જણાવેલ બાબતોનું ચુસ્તપણે પાલન કરવાથી કોરોના (COVID-19) થી બચી શકાય છે. આ ઉપરાંત ગુજરાત સરકારએ આયુષ મંત્રાલય દ્વાર જણાવેલ ગાઇડલાઇન્સનો પણ ચુસ્તપણે પાલન કરવો જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x