તંત્રની બેદરકારી : સિવિલમાં ફરીવાર કોરોનાના દર્દીઓનો હોબાળો, 4 દિવસથી જમવાનું પણ પૂછતા નથી
અમદાવાદ :
રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરતની સ્થિતિ વધુ નાજુક છે કારણ કે રાજ્યના સૌથી વધુ કોરોનો પોઝિટિવ દર્દીઓ આ વિસ્તારમાંથી આવેલા છે. હાલ રાજ્યમાં કોરોનાનો આંક 1500ને પાર પહોંચ્યો છે ત્યારે એશિયાની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં ફરી એકવાર દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વધુ માહિતી મુજબ, બેહરામપુરાની દુધેશ્વરીની ચાલીના કોરોના દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાને લઇને પરેશાની થતાં આશરે 70 જેટલા દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો.
કોરોનાના દર્દીઓને નથી અપાયું જમાવાનું
નોંધનીય છે કે, આ દર્દીઓને કોરોના પોઝિટિવ છે એમ કહીને લાવવામાં હતા જો કે, કોઈ વ્યવસ્થા ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ દર્દીઓએ તંત્ર સામે એવા પણ આક્ષેપ કર્યા હતા કે, કોરોનાના દર્દીઓ હોવા છતાં તેમને હજી સુધી જમવાનું મળ્યું નહોંતું.
ગઇકાલે રાતે અને આજે પણ દર્દીઓએ મચાવ્યો હતો હોબાળો
અમદાવાદ શહેરમાં ગઇકાલે કોરોનાના દર્દીઓને લઇને સામે આવેલ સિવિલ હોસ્પિટલની બેદરકારીને લઇને તંત્ર સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. કોરનાના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં બેડ ન મળ્યો હોવાના વાયરલ વીડિયોએ તંત્રની પોલ ખોલી નાંખી હતી. જો કે હાલ મળેલા અહેવાલ મુજબ ઘોર નિંદ્રામાંથી જાગેલ તંત્ર દ્વારા આ કોરોના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
કોરોનાના દર્દીઓને પ્રોપર સારવાર ભોજન અને ઈવન બેડ ન મળતા હોવાની ફરિયાદ વારંવાર સામે આવી રહી છે આ અંગેના વીડિયો સિવિલ હોસ્પિટલની ગુલબાંગો કેટલી સાચી કેટલી ખોટી તે પુરવાર કરી રહ્યા છે. ફરીથી દર્દીનો વીડિયો સામે આવ્યો છે જે તંત્રની વાતો અને વર્તનના તફાવતને લોકોની સામે લાવી રહ્યો છે.