પાલઘરની ઘટના મામલે સાધુ સમાજ લાલઘૂમ, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ઘેરાવો થશે : જ્યોતીર્નાથ
મુંબઈ :
પાલઘર મોબ લિન્ચિંગના મામલામાં સોમવારે ગૃહમંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે જ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી. આ વાતચીત બાદ ઉદ્ધવે કહ્યું કે તેમણે અમિત શાહ અને ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ અંગે માહિતી આપી છે. રાજ્ય સરકારે આ મામલામાં કાર્યવાહી કરી છે. 110 લોકોની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી, તેમાં કેટલાક માઈનર પણ સામેલ હતા. ઉદ્ધવે કહ્યું કે અમે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમણે એ પણ કહ્યું કે પાલઘર મોબલિન્ચિંગમાં સાંપ્રદાયિક એંગલ નથી. ગ્રામવાસીઓએ ચોર સમજીને બે સાધુઓ અને તેમના ડ્રાઈવરને પોલીસની હાજરીમાં ઢોરમાર મારીને જીવ લીધો હતો, જે પછી કાસા પોલીસના વાહન પર પણ હુમલો બોલાવ્યો હતો. મૃતક બે સાધુઓ અને તેમના ડ્રાઈવર પોતાની ઈકો કારમાં પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ત્રણેયને ગડચિંચલે ભાગના કેટલાક ગ્રામવાસીઓએ પકડી પાડ્યા હતા. તેમને ચોર સમજીને મારપીટ કરવાની શરૂઆત કરી હતી. એ પછી કાસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આથી ટોળાએ ગુસ્સામાં પોલીસનું વાહન પણ તોડી નાખ્યું હતું. ટોળા દ્વારા કરવામાં આવેલી મારપીટમાં ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં.
ગુરુની સમાધિનું કાર્ય પતાવીને પાછા ફરતા ગિરી સંપ્રદાયના સાધુઓ સાથે ખુબ જ દુઃખદ ઘટના ઘટી હતી. ગુરુ શિષ્ય અને તેમના ડ્રાઈવરને ચોર સમજીને ગામવાસીઓએ મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ સમગ્ર બનાવને લઈને સાધુ સમાજ લાલઘૂમ થયો છે. લોકડાઉન પૂરું થતાની સાથે જ ઉગ્ર આંદોલન કરવાની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના ઘરે ઘેરાવો કરવામાં આવશે અને જરૂર પડે તે ગામનો પણ ઘેરાવો કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. સાક્ષી મહારાજે પણ લિન્ચિંગ કરનારને રાક્ષસનો કરાર આપ્યો અને કહ્યું કે તેમની પર કાર્યવાહી કરવામાં આવે.