એલપીજી,સીએનજીની જેમ હવે એલએનજીથી પણ વાહનો દોડશે
ગાંધીનગર,
ગાંધીનગરમાં શરૃ થયેલી વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત સે-૧૭ ખાતે એક્ઝિબીશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે જેમાં લીકવીફાઈડ નેચરલ ગેસના રીસોર્સીસ અંગેનો પણ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. દેશમાં ગુજરાતના દહેજ અને કેરલાના કોચી ખાતે આ પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. કોચીમાં તો એલએનજીથી સંચાલિત બસ પણ દોડતી થઈ ગઈ છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ એલએનજી સંચાલિત બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વાહનો વધતાંની સાથે ઈંધણના નવા નવા સ્ત્રોત પણ શોધવામાં આવી રહયા છે. અગાઉ પેટ્રોલ અને ડીઝલથી વાહનો દોડતાં હતા ત્યારે એલપીજીથી પણ વાહન દોડાવવાનું વિચારાયું હતું તેમાં સફળતા મળ્યા બાદ સીએનજીથી પણ વાહનો દોડી રહયા છે. આ સીએનજીથી પ્રદુષણ ઘટતું હોવાના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ સીએનજીનો ઉપયોગ કરવામાં આવી રહયો છે ત્યારે ઈંધણના આ સ્ત્રોત મર્યાદિત હોવાથી નવા ઈંધણની શોધ પણ અતિ મહત્વની બની ગઈ છે ત્યારે હવે એલપીજી અને સીએનજીની સાથે એલએનજી પણ વાહનો દોડાવવાનું વિચારાઈ રહયું છે.
ગાંધીનગરના સે-૧૭ સ્થિત એક્ઝિબીશન સેન્ટર ખાતે પેટ્રોન એલએનજી દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલમાં એલએનજી અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. લીકવીફાઈડ નેચરલ ગેસના હાલ બે સ્થળોએ પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં કેરલાના કોચી અને ગુજરાતના દહેજમાં તેની કામગીરી કરવામાં આવી રહી છે. આ એલએનજી ગેસ પ્રમાણમાં ખુબ જ ઠંડો હોય છે. હાલ ઓસ્ટ્રેલીયા અને યુએઈ જેવા દેશોમાંથી આ ગેસનો પુરવઠો મેળવવામાં આવી રહયો છે. કેરલાના કોચીમાં એલએનજીથી સંચાલિત બસ પણ શરૃ કરી દેવામાં આવી છે.