ગુજરાતમાં ફકત ચાર ટકા જ એટીએમ !
ગાંધીનગર,
નોટબંધી બાદ ઉભી થયેલી આર્થિક કટોકટીની અરસને દુર કરવા માટે ડિજીટલ પેમેન્ટ અને ઇ-બેંકીંગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નાના અને મોટા ગામોને કેશલેસ વિલેજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં હવે આધારકાર્ડથી પણ પેમેન્ટ થાય તે દિશામાં વિવિધ બેંકો આગળ વધી રહી છે. બેંકના એકાઉન્ટ સાથે આધારકાર્ડને જોડીને આધારકાર્ડ મારફતે વ્યવહાર થાય તેવી એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેનું ડિસ્પ્લે ટ્રેડ શોના બેંકીંગ ડોમમાં કરવામાં આવ્યું છે.
આધારકાર્ડ દ્વારા પણ હવે પેમેન્ટ થઈ શકશેઃમાઇક્રો એટીએમથી ગામોમાં ૧૦ હજાર સુધીના વ્યવહાર થશે
ગાંધીનગરના સેકટર-૧૭માં ચાલી રહેલા ગ્લોબલ ટ્રેડ શોમાં બેંકિંગ વિભાગનો એક ડોમ ઉભો કરવામાં આવ્યો છે જેમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો સ્ટોલ પણ છે. જેમાં નવી ૫૦૦ અને ૨૦૦૦ની નોટ અંગે જાણકારી આપવાની સાથે સાથે મુલાકાતીઓને ડિઝીટલ પેમેન્ટ અંગે જાણકારી આપવામાં આવી રહી છે અને આ અંગે જાગૃતિ લાવીને ખાતેદારોમાં રહેલા ડરને દુર કરવામાં આવી રહ્યો છે. રીઝર્વબેન્કના મતે દેશના કુલ ૧૦૦ ટકા એટીએમમાંથી ગુજરાત રાજ્યમાં ફક્ત ચાર ટકા જ ેએટીએમ સેન્ટર આવેલા છે. કુલ ૨.૧૮ લાખથી વધુ એટીએમ છે. જેમાં ગુજરાતમાં ફક્ત ૮,૯૩૬ એટીએમ છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૨૪,૯૯૦ એટીએમ આવેલા છે જે દેશમાં ૧૧.૪ ટકા હિસ્સો ધરાવે છે.
નોટબંધી બાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા ઇ-બેંકિંગ,મોબાઇલ બેંકિંગ અને ડિજીટલ પેમેન્ટને વેગ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત ગામડાના ગ્રામજનો આ અંગે જાગૃત થાય અને ગામ કેશલેસ બને તે માટે પણ સ્થાનિક તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દેનાબેંકના સ્ટોલમાં ટેબલેટ, મોબાઇલ, માઇક્રો એટીએમ, આધારકાર્ડ અને અન્ય પ્લાસ્ટીક મનીના ઉપયોગ અંગેનો સ્ટોલ બનાવ્યો છે. જેમાં ટેબલેટ બેંકિંગથી ગ્રામજનોના એકાઉન્ટ ખોલવા અને તેને રન કરવાના કાર્યો કરવામાં આળે છે. ત્યારે માઇક્રો એટીએમના ઉપયોગથી ગામના બેંક મિત્ર મારફતે ગ્રામજનો દસ હજાર સુધીનો આર્થિક વ્યવહાર કરી શકે છે. તો તાજેતરમાં શરુ કરવામાં આવેલી આધારકાર્ડ મર્ચન્ડ એપ્લીકેશન દ્વારા ગ્રામજનો વેપારીને સ્માર્ટ ફોનથી જ પેમેન્ટ કરી શકે છે. તેની જાણકારી આપતો સ્ટોલ પણ અહીં બનાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત અને દેશમાં કેશલેસની વાતો કરવામાં આવે છે ત્યારે પુરતા પ્રમાણમાં ડીઝીટલ સાધનો ગામેગામ સુધી નહીં પહોંચે ત્યાં સુધી કેશલેસ વિલેજ ફકત કાગળ ઉપર જ થશે અને ખરા અર્થમાં તો આર્થિક તંગી ઉભી જ રહેશે.