વિશ્વ બેંકે ભારતનો ૨૦૧૬-૧૭નો જીડીપી ઘટાડીને ૭ ટકા કર્યો
નવી દિલ્હી,
વિશ્વ બેંકે બુધવારે વર્ષ ૨૦૧૬-૧૭ માટે ભારતનો જીડીપી ઘટાડીને સાત ટકા કર્યો છે. આ નિર્ણય નોટબંધીને કારણે લેવામાં આવ્યો છે. વિશ્વ બેંકનુ અનુમાન જણાવે છે કે ભારતમાં નોટબંધી લાદવામાં આવી જેને કારણે દેશના વીકાસની ગતી ઘટી છે. જેને પગલે વિકાસ દરનો લક્ષ્યાંક ૭.૬ ટકાથી ઘટાડીને હવે માત્ર સાત ટકા સુધી જ આંકવામાં આવ્યો છે. સાથે વિશ્વ બેંકે આશા વ્યક્ત કરી છે કે ભારત આવનારા વર્ષોમાં ૭.૬ અને ૭.૮ ટકા વિકાસ દર હાસલ કરી લેશે.
વિશ્વ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારત દ્વારા ગત વર્ષે નવેમ્બર માસમાં મોટા પ્રમાણમાં કરન્સી પરત લેવા અને નવી કરન્સી જારી કરવાને કારણે વર્ષ ૨૦૧૬ના અંતિમ મહિનાઓમાં વિકાસની રફ્તાર ધીમી પડી ગઇ છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે એવી આશા વ્યક્ત કરાઇ રહી છે કે ભારત નાણાકીય વર્ષ ૨૦૧૮ સુધીમાં ૭.૬ ટકા વિકાસ દર હાસલ કરી લેશે. ઉપરાંત વર્ષ ૨૦૧૯-૨૦ સુધી આ વિકાસ દર ૭.૮ ટકા સુધી પહોંચી શકે છે.
વિશ્વ બેંકના રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મેક ઇન ઇન્ડિયા નામનું જે કેમ્પેઇન ભારત દ્વારા ચલાવવામાં આવ્યું છે તેનાથી મેન્યૂફેક્ચરિંગ સેક્ટરને સપોર્ટ મળી શકે છે. આનાથી ઘરેલું માંગો પુરી થઇ શકે છે. અને કેટલાક રેગ્યૂલેટરી સુધારા પણ થઇ શકે છે.