ગાંધીનગરગુજરાત

રાજ્યમાં GST અને VAT ની આવકમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો : ના.મુખ્યમંત્રી નીતિન પટેલ

ગાંધીનગર :
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે દેશ અને ગુજરાતમાં કોરોના વાયરસની મહા મારી સામે આપણે સૌ જજુમી રહ્યા છીએ ત્યારે આ મહામારીને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન આયોજન કરાયું છે. રાજ્યમાં લોક ડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે તે સંદર્ભે પણ વેપાર-ધંધા, ઉદ્યોગ, કૃષિ, પેટ્રોલ પમ્પ, ટ્રાન્સપોર્ટેશન, વાહનોની અવરજવર અને અનેક ધંધા-રોજગાર બંધ થયા છે જેના પરિણામે રાજ્યની જીએસટી અને વેટની આવકમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. ત્યારે કોરોનાની મહામારી સામે જીવના જોખમે કાર્યરત સરકારી કર્મચારીઓને એપ્રિલ માસનો પગાર તથા પેન્શનરોને પેન્શન પણ રાબેતા મુજબ મે માસના પ્રથમ અઠવાડિયા માં જ રાબેતા મુજબ ચુકવવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાજયના નાગરિકોને ૧લી મે ગુજરાતના સ્થાપના દિન ની શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતું કે, કોરોનાની મહા મારી સામે જીતવા માટે આપણે સો એ સહિયારા પ્રયાસો કરવા પડશે. તેમણે જીવના જોખમે કાર્યરત તમામ કર્મચારીઓની કામગીરીને બિરદાવતા કહ્યું કે, રાજ્ય સરકાર અને પંચાયત વિભાગ સહિતના ૫.૩૮ લાખથી વધુ કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર રૂપિયા ૨૬૦૦ કરોડ તથા રાજ્યના ૪.૫૭ લાખ જેટલા પેન્શનરોને એપ્રિલ માસ નું પેન્શન રૂ.૧૪૦૦ કરોડ મળી કુલ અંદાજે રૂપિયા ૪૦૦૦ કરોડની રકમ કર્મચારીઓને અને પેન્શનરોને મે માસના પ્રથમ સપ્તાહમાં જ ચુકવી દેવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કર્યા બાદ રાજ્યની આવકમાં ઘટાડો થયો હોવા છતાં પણ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ કર્મચારી અને પેન્શનરોને આ લાભો રાબેતા મુજબ ચૂકવવાનો નિર્ણય કરાયો છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈએ કહ્યુ કે, રાજ્યમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે ત્યારે રાજયના નાગરિકોનો પણ ખૂબ જ સહયોગ મળી રહ્યો છે. નાના-મોટા ધંધા-રોજગાર ધરાવતા લોકો પણ આ મહામારીની સામે જીતવા માટે પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને જે સહયોગ આપી રહ્યા છે તે તમામનો રાજ્ય સરકાર વતી આભાર માનતા કહ્યું કે કોરોના ની લડાઈમાં જીતવા માટે અત્યાર સુધી જેવો સહયોગ આપ્યો છે તેવો સહયોગ આગામી સમયમાં પણ મળશે તો ચોક્કસ આપણે આ મહામારી સામે જીતી શકીશું એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x