અનેક હોટલ અને રેસ્ટોરાંને કાયમી તાળાં લાગશે પરપ્રાંતિય રસોયા-કર્મચારીઓ વતન તરફ રવાના થયા
અમદાવાદ :
અમદાવાદ સહિત રાજયમાં કરોડોનું માર્કેટ ધરાવતા રેસ્ટોરાં બીઝનેસની માઠી દશા છે. પગારના પૈસા નથી એક મહિનાથી તાળાં હોવાથી આવકને ગંભીર અસર પડી છે. અત્યારે મોટી સંખ્યામાં રેસ્ટોરાં અને હોટલ બંધ થાય અને લાખો લોકો નોકરી ગુમાવે તેવી શકયતા છે. કારણ કે લોકડાઉનના કારણે રેસ્ટોરાં-હોટલ બંધ છે. સામાન્ય રીતે રેસ્ટોરાં ચલાવવા માટે દર મહિને સ્ટાફનો માસિક પગાર, મિલકતનું ભાડું, લાઇટબીલ, ગેસ બીલ, ખર્ચ ફિકસ રહે છે. એપ્રિલ માસનો પગાર કર્મીઓને ચુકવાયો પણ હવે આગળ કર્મીઓને પગાર નહીં અપાય કૂકથી માંડીને વેઇટર સુધીનો સ્ટાફ તેમના વતન જવા નીકળી ગયો છે. મોટા ભાગનો સ્ટાફ આ ક્ષેત્રમાં પરપ્રાંતિય હોય છે તેના પગલે અર્ધો અર્ધ હોટલ રેસ્ટોરાં કાયમી ધોરણે બંધ થવાની કગાર પર છે. મોટા ભાગના રેસ્ટોરાંમાં કર્મીઓના વેતન મોકૂફ રાખવાનું પગલુ ઇરાદાપૂર્વક નથી લેવાયું, પરંતુ અમારી પાસે પૂરો પગાર આપવાની ક્ષમતા નથી. તેવું હોટલ-રેસ્ટોરાં માલિકોનું કહેવું છે. થોડા સપ્તાહ અગાઉ હોટલ એસોસીએશને નાણાંપ્રધાન નિર્મલા સીતારમનને પત્ર દ્વારા ઇનપુટ ટેકસ ક્રેડીટ (આઇટીસી) આપવા અને જીએસટી સહિતની ચુકવણી મુલત્વી રાખવાની માંગણી કરી હતી. સરકારે જીએસટીનો દર નવેમ્બર ર૦૧૭માં ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો હતો, પરંતુ રેસ્ટોરાં માટે ઇનપુટ ટેકસ ક્રેડિટ બંધ કરી હતી. આઇટીસી ન મળવાના કારણ રેસ્ટોરાંના મૂડી ખર્ચ અને ભાડામાં ૧પ થી ૧૮ ટકાનો વધારો થયો છે. એક અંદાજ મુજબ પ૦ ટકા રેસ્ટોરાં બંધ થઇ જવાનો ભય આ સેકટરમાં છે. ફૂડ ડિલિવરીનો ધંધો ૮૦ ટકા જેટલો ઘટી ગયો છે. લોકડાઉન પુરૃં થયા પછી પણ લાંબા સમય સુધી લોકો બહાર જમવાનું કે ઓર્ડર કરવાનું ટાળશે પરિસ્થિતિ સામાન્ય થતા એક વર્ષ લાગી જશે