ગાંધીનગરગુજરાત

ગુજરાતની તિજોરી તળિયા જાટક, સરકાર કર્મચારીઓના પગાર માટે હવે શું કરશે જાણો..

ગાંધીનગર :
કોરોના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતિના કારણે રાજ્ય સરકારની આવકમાં બે મહિનામાં 10,000 કરોડ કરતાં વધુ આવકનો ફટકો પડે તેવી દહેશત છે. એટલું જ નહીં કેન્દ્ર તરફથી મળનારા હિસ્સામાં પણ મોટો ઘટાડો થઇ શકે છે. જો આ મહામારી વધુ સમય સુધી ચાલશે તો સરકારની તિજોરી પર અકલ્પ્ય નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

ચાલુ વર્ષના બજેટના તમામ અંદાજો ખોરવાઇ જવાની શક્યતા દેખાઇ રહી છે. રાજ્ય સરકાર આ વર્ષે નવી યોજનાઓ શરૂ કરી શકશે નહીં. હવે સરકારની તિજોરી તળિયા જાટક થઇ ગઇ હોવાથી કર્મચારીઓના પગાર કરવા માટે લોન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરકારને કર્મચારીઓ અને પેન્શનરો માટે પ્રતિ માસ 4000 કરોડની આવશ્યકતા છે.

રાજ્ય સરકારે 2019-20ના નાણાકીય વર્ષમાં પણ ખૂબ નુકશાન કર્યું છે. કેન્દ્રીય કરવેરામાં રાજ્યને 5815 કરોડ રૂપિયા ઓછા મળ્યા છે જ્યારે રાજ્યના કરવેરામાં 1792 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બીજી તરફ એક વર્ષમાં વસૂલવા પાત્ર બાકી ટેક્સની રકમમાં 12708 કરોડનો વધારો થયો છે. રાજ્ય સરકાર વિવાદિત તેમજ બિન વિવાદિત 43000 કરોડ રૂપિયા વસૂલી શકી નથી, આમ છતાં માર્ચમાં પૂરા થયેલા વર્ષમાં ગુજરાત સરકારે 1.50 લાખ કરોડની મહેસૂલી આવક મેળવી છે.

નાણા વિભાગના આંકડા પ્રમાણે રાજ્ય સરકારે 2020-21ના નાણાકીય વર્ષના અંતે 136447 કરોડ રૂપિયા મહેસૂલી આવક તેમજ 46766 કરોડ રૂપિયાની મૂડીઆવક મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આમ કુલ માર્ચ 2021ના અંતે ગુજરાત સરકારને 183213 કરોડ રૂપિયા આવક થવાનો અંદાજ છે પરંતુ કોરોના સંક્રમણના કારણે સરકારને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કુલ 10,000 કરોડ રૂપિયાનું માતબર નુકશાન થવાનો અંદાજ છે. લોકડાઉનના સમયમાં એવી કેટલીક આવકો છે કે જે શૂન્ય છે.

ગુજરાત સરકારને સૌથી મોટું નુકશાન જીએસટી અને વેલ્યુ એડેડ ટેક્સમાં છે. એ ઉપરાંત સ્ટેમ્પડ્યુટી તેમજ જમીન મહેસૂલની આવક છે. વીજળી પરના વેરામાં સૌથી વધારે ફટકો ઉદ્યોગજૂથો બંધ હોવાથી પડ્યો છે. રાજ્યમાં નવા વાહનોની નોંધણી થતી નથી. રિયલ એસ્ટેટ સંપૂર્ણ લોકડાઉન છે તેથી સ્ટેમ્પડ્યુટી અને નોંધણીની આવક બંધ છે. આ બન્ને સેગમેન્ટમાં 90 ટકાનો ઘટાડો છે.

રાજ્યના નાણા વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે રાજ્યના વિવિધ વેરાની આવકોમાં ઘટાડો થઇ રહ્યો છે તેના અંદાજ અમે જૂન મહિનામાં કાઢી શકીશું. જો કે કેન્દ્ર સરકાર પાસે પણ રાહત મેળવવાની વિચારણા ચાલી રહી છે પરંતુ તે હકીકતમાં સર્વેક્ષણ પૂર્ણ થયા પછી નક્કી થઇ શકશે.

કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ સમયે રાજ્યને મદદ કરવા ગયા ઓક્ટોબર અને નવેમ્બર મહિના પેટે માત્ર 16666 કરોડનું વળતર ચૂકવ્યું છે. આ રકમ માત્ર 50 ટકા મળી છે. હજી કેન્દ્ર પાસે ગુજરાતને ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના હપ્તા પણ લેવાના થાય છે. જો લોકડાઉન વધે તો તેમાં એપ્રિલ અને મે મહિનાનો સમાવેશ થઇ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *