કુડાસણમાં તા.૧૭મી મે સુધી દૂધ અને દવા સિવાય તમામ વેપાર બંધ રહેશે
ગાંધીનગર :
ગાંધીનગર તાલુકામાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કુડાસણમાં પણ એક પછી એક કોરોના પોઝિટિવ કેસો આવ્યા બાદ સરપંચ સહિત ગામના હોદ્દેદારો અને અગ્રણીઅો ચિંતિત બન્યાં છે. આ સ્થિતિમાં આજે રોજ કુડાસણ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજ સાંજે આઠ કલાકથી લોકડાઉન-૩ના અંતિમ દિવસ તા.૧૭મી મે સુધી કુડાસણ ગ્રામ પંચાયતની હદમાં માત્ર દૂધ અને દવા સિવાય અનાજ, કરિયાણા, શાકભાજી, ફળફળાદિ સહિત તમામ દુકાનો-વેપાર બંધ રાખવામાં આવશે અને બાકી બધી જ દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
જે વેપારી કે ફેરિયો આ આદેશનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કોરોના કોવિદ-૧૯ના ગ્રામ્ય વિસ્તારો સાથે નવા વિકસેલા અર્બન વિસ્તારોમાં વધી રહેલા કહેરને પગલે ગ્રામ્ય વિસ્તારની જનતામાં ચિંતાનો માહોલ વધતો જણાઈ રહ્યો છે જેને અનુલક્ષીને ગ્રામ પંચાયતો દ્વારા આકરા પાગલ લેવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાવોલમાં પણ સોસાયટી વિસ્તારમાં પણ બે કોરોના પોઝિટિવ કેસો આવતા વાવોલ ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસ વાવોલના બજારો દૂધ અને દવા સિવાયના વેપાર માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે આ સ્થિતિ કુડાસણ ખાતે પણ જોવા મળી રહી છે જેમાં તા. ૧૭મી મે સુધી સમગ્ર કુડાસણ ગ્રામ પંચાયતની હદમાં આવતા વિસ્તારમાં દૂધ અને દવા સિવાયના વેપાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વાવોલમાં દૂધ વિતરણ માટે અગાઉ ઠરાવ કરીને સવારે ૭ થી ૧૧ કલાક સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સાથે અાજે યોજાયેલ બેઠકમાં અેમ પણ નિયત કરવામાં આવ્યું હતું કે જે દુકાનધારક દૂધ વેચવા સાથે અન્ય ચીજચસ્તુ જેવી કે કરિયાણું કે અન્ય કોઇપણ વસ્તુનો વેપાર ધરાવતો હશે તે પણ જો દૂધ સિવાય અન્ય કોઇ ચીજવસ્તુ આ ત્રણ દિવસ દરમ્યાન વેચતો ઝડપાશે તો તેની પાસેથી પણ દંડ વસુલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાવોલ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ કરેલા ઠરાવ મુજબ ગામના તમામ વિસ્તારોમાં લોકડાઉનનુ ચુસ્તપણે પાલન કરવામાં આવે એ હેતુથી ગામ પંચાયતના સદસ્યો તથા પંચાયત સ્ટાફ દ્વારા તમામ વિસ્તારોમાં તથા તમામ સોસાયટી વિસ્તારમાં સધન પણે ચેકીંગ કરવામાં આવશે અને સરકાર દ્વારા જાહેર કરેલ તમામ આદેશો જેવા કે માસ્ક પહેરવુ ફરજિયાત, સોશ્યલ ડીસ્ટંસ, દ્વિચક્રી વાહન પર ફકત એક વ્યક્તિ વગેરેનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત જીવનજરૂરી ચીજવસ્તુઓ અને અતિ આવશ્યક મેડિકલ સેવા મેળવવા સિવાય બહાર ફરતા વ્યક્તિઓ સોસાયટી અને મહોલ્લામાં એકઠા થઇ બેસનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ પંચાયત દ્વારા દંડ પણ વસુલવામાં આવશે. વાવોલમાં માસ્ક નહી પહેરનારને પ્રથમવાર રૂ.૫૦૦ અને બીજીવાર રૂ.૧હજારનો દંડ નિયત કરવામાં આવ્યો છે. આ નિયમો વાવોલ ગ્રામ પંચાયતની હદમાં આવતા ગામ અને સોસાયટી વિસ્તાર સહિત તમામ વિસ્તારોને લાગુ પડશે.