ગ્લોબલ ટ્રેડશો ‘વાઈબ્રન્ટ’ બન્યો
ગાંધીનગર, તા.12 જાન્યુઆરી 2017, ગુરુવાર
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે હેલીપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શો પણ ચાલી રહ્યો છે ત્યારે ૧૪થી ૧૫ ડોમમાં વિવિધ કંપની અને સરકારી વિભાગો દ્વારા પોતાના સ્ટોલ બનાવવામાં આવ્યા છે.
જેને નિહાળવા માટે પ્રથમ બે દિવસ મહેમાનો અને મહાનુભાવો માટે આરક્ષિત રાખવામાં આવ્યા હતા અને ગુરૃર તથા શુક્રવાર સામાન્ય વ્યક્તિઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે ત્યારે ગુરૃવાર સવારથી જ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત રસ ધરાવતા નગરજનોથી વાઇબ્રન્ટ ટ્રેડ શો ખરા અર્થમાં વાઇબ્રન્ટ બની ગયો હતો અને માનવ મહેરામણથી ગાંધીનગરના માર્ગો ઉપર ટ્રાફિક વધારે જોવા મળ્યો હતો.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા બે મહિનાથી વાઈબ્રન્ટ સમિટ અને ગ્લોબલ ટ્રેડ શો માટે તમામ તંત્રો દ્વારા દિવસ રાત એક કરીને તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારે ગ્લોબલ ટ્રેડ શોની તા.૯મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૯,૧૦ અને ૧૧મી સુધી મહેમાનો અને મહાનુભાવો માટે આરક્ષિત રાખવામાં આવ્યો હતો.
જેમાં કાર્ડધારકો અને મહેમાનોએ આ ટ્રેડ શોનો લાભ લીધો હતો ત્યારે છેલ્લા બે દિવસ એટલે કે, તા.૧૨ અને તા.૧૩મીએ સામાન્ય વ્યક્તિઓ માટે આ ટ્રેડ શો ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. જેમાં ગુરુવાર સવારથી જ ટ્રેડ શોમાં મુલાકાતીઓ ઉમટી પડયા હતા. મુલાકાતીઓના મહેરામણને કારણે શહેરમાં રોજીંદા કરતાં ટ્રાફિકમાં પાંચ ગણો વધારો થઈ ગયો છે.
મુખ્ય માર્ગો ઉપર વીવીઆઈપીઓની સતત અવરજવર જોવા મળી રહી છે. પોલીસના વાહનોથી શહેર જાણે કે કોઈ મીલીટ્રી સ્ટેશન બની ગયું હોય તેમ લાગી રહયું છે. ઠેકઠેકાણે પોલીસનું સખત ચેકીંગ અને સર્કલો ઉપર બેરીકેટ્સના કારણે નાગરિકો પણ થોડા મુશ્કેલીમાં મુકાયા છે. તેમ છતા હજ્જારો મુલાકાતીઓએ ટ્રેડ શોમાં આજે પ્રવેશ કર્યો હતો અને મોટાભાગના ડોમમાં મુકવામાં આવેલી વિવિધ ચિજવસ્તુઓ,સાધનો, શસ્ત્રો, વાહનો, ઇન્સ્ટયુમેન્ટ નિહાળી હતી જ્યારે સરકારી યોજનાઓ અને વેપાર-ઉદ્યોગ કરવા અંગેની માહિતી મેળવી હતી. એટલુ જ નહીં, આ ટ્રેડ શોમાં ઘણી વસ્તુ વેચાણ માટે પણ મુકવામાં આવી હતા.