વાઈબ્રન્ટ સુખરૃપ પૂર્ણ થતાં પોલીસે હાશકારો અનુભવ્યો
ગાંધીનગર,તા.12 જાન્યુઆરી 2017, ગુરુવાર
છેલ્લા બે મહિનાથી ગાંધીનગર પોલીસ વાઈબ્રન્ટ સમિટના બંદોબસ્તની તૈયારી કરી રહી હતી અને આજે વાઈબ્રન્ટ સમિટ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. મહાત્મા મંદિર અને વીવીઆઈપી મુવમેન્ટ માટે મુકવામાં આવેલી ર૩૦૦ જેટલી પોલીસને બંદોબસ્તમાંથી મુક્ત કરાઈ છે. જ્યારે સે-૧૭માં ગ્લોબલ ટ્રેડ શો અને રોડ બંદોબસ્તમાં મુકાયેલી પોલીસને હજુ આવતીકાલ સાંજ સુધી બંદોબસ્તની જવાબદારી સંભાળવાની રહેશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આઠમી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટને પગલે ચાંપતો સલામતી બંદોબસ્ત ગોઠવવા માટે છૈલ્લા બે મહિનાથી જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્તથી સ્કીમ તૈયાર કરવામાં આવી હતી અને આ વાઈબ્રન્ટ બંદોબસ્ત માટે સમગ્ર રાજ્યમાંથી પાંચ હજારથી વધુ પોલીસ જવાનોને ગાંધીનગર બોલાવી લેવાયા હતા.
૭મીથી આજે ૧૨ જાન્યુઆરી સુધી પોલીસ જવાનોએ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. ત્યારે સુખરૃપ રીતે આ સમગ્ર ઉત્સવો પૂર્ણ થતાં ગાંધીનગર ઉપરાંત સમગ્ર રાજ્યની પોલીસે હાશકારો અનુભવ્યો હતો. આજે સાંજે બંદોબસ્ત વિડ્રોનો મેસેજ મળતાંની સાથે જ પોલીસ અધિકારી જવાનોના ચહેરા ઉપર ખુશી વર્તાતી હતી.
જો કે ગ્લોબલ ટ્રેડ શો માટે બોલાવાયેલી પોલીસને યથાવત રાખવામાં આવી છે. મહાત્મા મંદિર તેમજ વીવીઆઈપી મુવમેન્ટ માટે બોલાવાયેલા ર૩૦૦ જેટલા પોલીસ જવાનોને મુક્ત કરાયા છે. જ્યારે ટ્રેડ શો અને રોડ બંદોબસ્તમાં હજુપણ ૧૩૦૦ જેટલી પોલીસ ગાંધીનગરમાં બદોબસ્ત કરશે. આવતીકાલે સાંજે તેમનો બંદોબસ્ત પૂર્ણ થશે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ વખતે વાઈબ્રન્ટ બંદોબસ્ત માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જેના કારણે જ સુખરૃપ રીતે સમગ્ર સમિટ સંપન્ન થઈ છે.