ઉત્તરાયણઃ ધાબા પર દિવસ ઉગશે, પવન સારો રહેતા પતંગબાજોને મોજ
ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ત્રણ દિવસથી શિયાળાની ઋતુએ તેનો ખરો મિજાજ દેખાડવાનો શરૂ કર્યો છે. સતત એક ધારી કાતિલ ઠંડીનો અહેસાસ અનુભવતા લોકો હવે એવુ કહી રહ્યાં છે કે ઠંડીનો ચમકારો હજુ પણ ઠંડો પડતો નથી. ક્યાં સુધી થથરાવતી ટાઢ હજુ વેઠવી પડશે. જો કે હવામાન ખાતાની આગેહી મુજબ ઉત્તરાયણના દિવસે પવનની ગતિ પ્રતિ કલાકે 9થી 10 કિ.મીટર જેટલી રહેશે. તેના કારણે કાનની બુટ્ટીઓ ઠરીને ઠીકરૂ થઇ જાય તેવી અસહ્ય ઠંડી અનુભવવી પડશે. હજુ આગામી 3 દિવસ વાતાવરણ ટાઢુ હેમ રહેશે.
ઉત્તર પર્વતીય વિસ્તારોના રાજ્યોમાં હિમ વર્ષાના પગલે રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ગુજરાત ટાઢુ બોળ થઇ ગયું છે. તેની અસરના કારણે ગાંધીનગર શહેર સહિત સમગ્ર જિલ્લો ટાઢો બોર થઇ ગયો છે. શુક્રવારે ગાંધીમગરમાં મહત્તમ તાપમાનનો પારો 23.6 ડિગ્રી અને લઘુત્ત તાપમાન 8 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 54 ટકા અને સાંજે 5 વાગ્યે ઘટીને 29 ટકાએ અટક્યુ હતું. ગાંધીનગર શહેરમાં વૃક્ષોની સંખ્યા વધારે હોવાના કારણે પવનની ગતિ વધારે તેજ થઇ રહી છે.