રાજ્યસભા ચૂંટણી : ભાજપ ‘ખેલ’ની તૈયારીમાં, ગુજરાતની ૪ બેઠકો માટે ૨૬ માર્ચે મતદાન થાય તે પૂર્વે ૨૫ માર્ચથી લોકડાઉન જાહેર થતા ચૂંટણી અટકી પડેલ.
ગાંધીનગર :
ગુજરાતની રાજ્યસભાની ૪ બેઠકોની લોકડાઉનના કારણે અટકી પડેલી ચૂંટણી ટુંક સમયમાં યોજાય તેવા વાવડ મળે છે. લોકડાઉનમાં ધરખમ છુટછાટ મૂકાતા જૂન મહિનામાં મતદાન કરાવવાની ચૂંટણી પંચની તૈયારી હોવાનું બહાર આવેલ છે. ૪ બેઠકો માટે ભાજપના ૩ અને કોંગ્રેસના ૨ ઉમેદવારો મેદાનમાં છે. કુલ ૧૭૫ ધારાસભ્યો મતદાનમાં ભાગ લેવા પાત્ર છે. લોકડાઉનના કારણે અટકેલી ચૂંટણી પ્રક્રિયા આગળ વધશે. હવે માત્ર મતદાન જ કરાવવાનું બાકી રહે છે. મતદાન દિવસે જ સાંજે મત ગણતરી કરવામાં આવશે. ધારાસભ્યોનું સંખ્યાબળ જોતા ભાજપના પ્રથમ બે ઉમેદવાર રમીલાબેન બારા અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત ગણાય છે. ભાજપે ત્રીજી બેઠક જીતવા માટે નરહરિ અમીનને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે બે બેઠકો પર વિજય મેળવવા માટે ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહિલને ટીકીટ આપી છે. આ ત્રણ પૈકી કોઇપણ બે ઉમેદવારો જીતી શકે તેમ હોવાથી ગળકાપ સ્પર્ધા છે.
બે-ત્રણ મતનો તફાવત નિર્ણાયક બને તેવી સ્થિતિ છે. ગયા માર્ચમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ૫ ધારાસભ્યો પ્રવિણ મારૂ, જે.વી.કાકડિયા, સોમાભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને મંગળભાઇ ગામિતે રાજીનામુ આપી દેતા કોંગીની હાલત કફોડી થઇ હતી. બંને પક્ષેથી બી.ટી.પી.ના 2 અને એનસીપીનો 1 મત મેળવવા ખેંચતાણ શરૂ થયેલ. ટુંક સમયમાં મતદાનનું જાહેરનામુ બહાર પડવાના નિર્દેષ મળતા બંને પક્ષ ફરી સતર્ક થઇ ગયા છે. ચૂંટણી પંચ મર્યાદિત સમયગાળો આપી મતદાનની તારીખ જાહેર કરશે. ભાજપે કોંગીના કેટલાક ધારાસભ્યો તરફ નજર દોડાવી છે. મતદાન પૂર્વે અથવા પછી તુરંત રાજીનામા અપાવવા, મતદાનમાં ગેરહાજર રખાવવા વગેરે વિકલ્પો વિચારાધીન હોવાનું કહેવાય છે. કોરોનાની સ્થિતિ વચ્ચે ટુંક સમયમાં રાજ્યમાં રાજકીય ગરમાવો આવે તેવા એંધાણ છે.